Mysamachar.in-ગાંધીનગર:
દર પાંચ વર્ષે, એક વખત, અમુક સમય પૂરતું નેતાઓનું બ્લડપ્રેશર ઉંચુ જતું હોય- ચૂંટણીઓ ટાણે. ત્યાં સુધી શાસકપક્ષ હોય કે વિપક્ષ, સૌ પોતપોતાનામાં મસ્ત અને વ્યસ્ત હોય છે, મતદારોને ભૂલીને.ચૂંટણીઓ ટાણે મતદારો હંગામી રાજા બની જતાં હોય છે, એટલે એમને રીઝવવા શાસકપક્ષ ખુદના મોઢે અને કેટલાંક વાજિંત્રોના સહારે સિદ્ધિઓની વારતાઓ શરૂ કરે અને વિપક્ષ ‘અમે પ્રજાનો અવાજ છીએ’ એવો અભિનય શરૂ કરે. મતદારો મનમાં બધું જ સમજે છે.
આગામી સમયમાં મહાનગરોથી માંડીને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી ચૂંટણીઓના ઢોલ વાગવાના છે, એટલે મતદારો સમક્ષ સ્થાનિક કક્ષાએથી શરૂ કરીને છેક ઉપર સુધી સૌ નેતાઓ વિવિધ, મનોરંજક નૃત્યઓ પેશ કરી રહ્યા છે અને ‘આ જા, ફસા જા’નો ખેલ પાથરી રહ્યા છે.
છેલ્લા કેટલાંક મહિનાઓથી વિપક્ષો સક્રિય બની ગયા અને શાસકો જાતજાતના ‘સપ્તાહ’ ઉજવી રહ્યા છે, ચોક્કસ લોકોની મદદથી ‘સરકાર’ આપણી ચિંતાઓ કરી રહી છે એવું લોકોના મનમાં ઠસાવવા પ્રયાસ કરી રહ્યા છે. શાસકપક્ષ તથા વિપક્ષ, બંનેને ડર સતાવી રહ્યો છે અને ડર કે આગે જિત હૈ- એવું ખુદને કહી રહ્યા છે.
વધુ એક વખત, રાજ્યમાં ‘પરધાનો’ બદલવાની તૈયારીઓ થઇ ચૂકી છે, આગામી 24 કલાક દરમ્યાન તો નવા નામો પણ જાહેર થઈ જશે. વિપક્ષને પણ નવા નામો જાણવામાં રસ છે. બીજી તરફ મતદારો ખુદના દિલ કોઈ પણ પાસે ખોલતાં નથી. દાંત કચકચાવી શાસકપક્ષ અને વિપક્ષના ‘ખેલ’ નિહાળી રહ્યા છે. આ મતદારો ચૂંટણીઓ ટાણે શું કરશે, એ હજુ સસ્પેન્સ છે. સરેરાશ મતદાર ખુદની તકલીફોમાં ગૂંચવાયેલો છે, પોતાના વિસ્તારના રસ્તાઓથી માંડીને સચિવાલય સુધીની જગ્યાઓ પર શું ચાલી રહ્યું છે, એ જાણકારીઓ મેળવવામાં સરેરાશ મતદારને જાણે કે રસ નથી. સામાન્ય મતદાર દૂધનો દાઝેલો હોય, છાસ પણ ફૂંકી ફૂંકીને પીવાના મૂડમાં હોય તેમ દેખાઈ રહ્યું છે. આ સ્થિતિઓ વચ્ચે, તમે માનો છો ? નવા મંત્રીમંડળથી સામાન્ય મતદારને કોઈ ફરક પડે ? બીજી તરફ વિપક્ષના કાર્યક્રમોમાં પણ (શાસકપક્ષના કાર્યક્રમ માફક જ) સરેરાશ મતદાર ‘ગેરહાજર’ જ હોય છે.