Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા એક યુવાનને કેન્સરની ગંભીર બીમારી હોય, તેમના મૃત્યુ પછી તેમના સંતાનોનું શું થશે? તે ચિંતામાં તેમની પાંચ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવીને મોત નિપજાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પી લેતા તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું.
આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મેરામણભાઈ કરસનભાઈ ચેતરીયા નામના યુવાનને છેલ્લા આશરે પાંચેક વર્ષથી મોઢાના કેન્સરની બીમારી હતી. હાલ આ બીમારી અંતિમ સ્ટેજમાં હોય અને ગમે તે સમયે તેમનું મૃત્યુ થવાનું હોવાથી તેઓ છેલ્લા કેટલાક સમયથી વ્યથિત રહેતા હતા. ઉપરાંત તેમના મૃત્યુ પછી તેમના બાળકોનું શું થશે તેવા વિચારો તેમને આવતા હોય, આ પરિસ્થિતિમાં ગઈકાલે સોમવારે સાંજના સમયે તેમણે તેમની પાંચ વર્ષની પુત્રી ખુશી અને ત્રણ વર્ષના પુત્ર માધવને ઝેરી દવા પીવડાવી દીધી હતી. આ પછી મેરામણભાઈએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા બંને સંતાનો સાથે પિતા મેરામણભાઈ ચેતરીયાનું પણ મૃત્યુ નિપજ્યું હતું.
આ સમગ્ર ઘટના સંદર્ભે દ્વારકા સર્કલના ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવા તેમજ એફએસએલ તપાસ સહિતની કાર્યવાહી કરી હતી બનાવ અંગે લાંબા ગામે રહેતા પબાભાઈ સામતભાઈ ચેતરીયા (ઉ.વ. 40) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે પુત્રી તેમજ પુત્રની હત્યા નિપજાવીને પોતે પણ ઝેરી દવા પી લેવા સબબ મેરામણભાઈ કરસનભાઈ ચેતરીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આગળની તપાસ કલ્યાણપુરના પી.આઈ. ટી.સી પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે નાના એવા લાંબા ગામે તેમજ મૃતકના પરિવારજનોમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.(પ્રતિકાત્મક તસ્વીર) (અહેવાલ કુંજન રાડિયા)