Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
છેલ્લા દોઢેક વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરીને યાત્રાધામો દ્વારકા, બેટ દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં જમીન માફિયાઓની કુંડળીઓમાં ગ્રહો વંકાયા છે, વર્ષો પછી ગેરકાયદેસર ધંધાર્થીઓ પર ‘સરકારી’ વીજળી ત્રાટકી છે. અને દબાણોનો કડૂસલો બોલી રહ્યો છે, સરકારી જમીનો પરના દબાણો તંત્રો દ્વારા હટાવવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં, ગત્ સોમવારે દ્વારકા નજીક ચરકલા પાસેથી પસાર થતાં દ્વારકા-સોમનાથ નેશનલ હાઈ-વેની આજુબાજુની સરકારી જમીનો પર વર્ષોથી ખડકાયેલા ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા. ત્યારબાદ ગત્ રોજ તંત્ર દ્વારા આ જ વિસ્તારોમાં સરકારી જમીનો પરના ધંધાદારી દબાણો હટાવવામાં આવ્યા છે.
દબાણો હટાવવાની આ કામગીરીઓ દરમ્યાન આશરે 11,300 ચોરસ મીટર જેટલી સરકારી જમીનો દબાણમુક્ત થઈ અને આ જમીનો બજારભાવ મુજબ આશરે રૂ. 16.9 કરોડની હોવાનું માનવામાં આવે છે. ઓપરેશન ડિમોલીશનની આ તમામ કામગીરીઓ દ્વારકા SDM અમોલ આવટેના માર્ગદર્શન મુજબ ચાલી રહી છે. આ ટીમમાં મામલતદાર અનિલ ભેડા, વગેરે અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ જોડાયો છે.