Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે ગતરોજ સાંજે ખેતરમાં કામ કરી રહેલા બે પ્રૌઢ ધરતીપુત્રોના જીવંત વીજ વાયર તૂટીને પડતા તેમના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવે મૃતકના પરિવારજનો સાથે ગ્રામજનોમાં કરુણતા સાથે તંત્ર સામે રોષની લાગણી જોવા મળી હતી.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના દ્વારકા માર્ગ પર આવેલા સોનારડી ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા તખુભા પ્રતાપસંગ જાડેજા (ઉ.વ. 52) તેમજ તેમની પાસે જ નજીક જ અન્ય એક ખેતર ધરાવતા રામસિંગ ભોજુભા જાડેજા (ઉ.વ.આ. 63) આજરોજ સાંજે તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે આશરે 4:30 વાગ્યાના સમયે તેમના ખેતર ઉપરથી પસાર થતો પીજીવીસીએલનો જીવંત વીજ વાયર તૂટીને તેમના પર પડતાં આ બંનેને મૂર્છિત અવસ્થામાં અહીંની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બંને શેઢા પાડોશી એવા પિતરાઈ ભાઈઓના એક સાથે અવસાન થતાં તેમના પરિવારનો સાથે નાના એવા સોનારડી ગામમાં પણ ભારે કરુણતા પ્રસરાવી છે. વધુ વિગત મુજબ ગામના સરપંચ અર્જુનસિંહ જાડેજા દ્વારા પીજીવીસીએલને અહીં મેન્ટેનન્સ તેમજ વાયર બદલવા માટેની અવારનવાર રજૂઆતો વચ્ચે કોઈ ગંભીર અકસ્માતની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આખરે આ બે વ્યક્તિઓના અકાળે અવસાન થયાનો બનાવ બનવા પામ્યો હતો. જાડેજા પરિવારમાં એક જ કુટુંબમાં બે વ્યક્તિઓના અપમૃત્યુના આ બનાવે સોનારડી ગામમાં ભારે અરેરાટી સાથે વીજતંત્ર સામે ભારે રોષની લાગણી પ્રસરાવી છે.