અમરેલીમાં વસવાટ કરતાં એક પ્રૌઢ દ્વારા જામનગર પોલીસમાં એક અજીબ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર એક અજાણ્યો શખ્સ આ પ્રૌઢને વિશ્વાસમાં લઈ, લૂંટીને ચાલ્યો ગયો. આ ફરિયાદીને બેભાન બનાવી લૂંટ ચલાવવામાં આવી, એમ ફરિયાદીએ પોલીસમાં જાહેર કર્યું છે.
આ અજીબ ફરિયાદની વિગત એવી છે કે, અમરેલીના પોલીયોના એક દર્દી દ્વારકાથી બસમાં આવી રહ્યા હતાં ત્યારે, એક અજાણ હિન્દીભાષી શખ્સ તેની બાજુમાં બેસી ગયો અને આ પ્રૌઢને હાથમાં પોલીયો છે તે અંગે પૂછપરછ કરી. બાદમાં શખ્સે કહ્યું કે, મારાં થેલામાં દવા છે. આ શખ્સે જામનગર બસ સ્ટેશનમાં આ દવા પ્રૌઢને પિવડાવી. પછી બંને રિક્ષામાં જીજી હોસ્પિટલ ગયા.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, બાદમાં સોનોગ્રાફી વિભાગ નજીક મને બેસાડી, પોતાનો થેલો મને આપી, કહેલું કે થોડીવાર આરામ કરો. બાદમાં હું બેભાન થઈ ગયો. ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે, મારાં બે હાથમાંથી સોનાની બે વીંટી ગાયબ, મોબાઈલ ફોન અને ખિસ્સામાંથી રૂ. 6,600 પણ ગાયબ. અને એ અજાણ શખ્સ પણ ગાયબ.
પોતાની સાથે વિશ્વાસઘાત થયો છે એમ જામનગર પોલીસમાં જાહેર કરનાર અમરેલીના આ પ્રૌઢનું નામ લલિતભાઈ બાબુભાઈ ગણાત્રા(55) છે અને આ પ્રૌઢ અમરેલીમાં ચિતલ રોડ પર શ્રીરંગ સોસાયટીમાં રહે છે અને નિવૃત જિવન વિતાવે છે. પોલીસ આ ફરિયાદના આધાર પર એ અજાણ શખ્સને શોધી રહી છે.