Mysamachar.in-અમદાવાદ:
રાજ્યના તમામ મહાનગરોમાં રખડતાં પશુઓ, ખરાબ રસ્તાઓ, દબાણો, ગેરકાયદેસર પાર્કિંગ, અનિયંત્રિત ટ્રાફિક તથા રોંગ સાઈડમાં દોડતા વાહનો- આ બધી જ સમસ્યાઓ જોવા મળે છે. અને, આ અંગે હાઈકોર્ટમાં અદાલતના તિરસ્કારની અરજીની સુનાવણીઓ ચાલી રહી છે, જેમાં વડી અદાલતે સરકારને કડક સૂચનાઓ આપવી પડી છે.
વડી અદાલતે સુનાવણી દરમ્યાન કહ્યું કે, રોંગ સાઈડ વાહનો ચલાવવાનો મુદ્દો ગંભીર છે. SUV જેવા વાહનો પણ રોંગ સાઈડ પર દોડતા હોય છે. અદાલતનો પોતાનો અનુભવ એવો છે કે, કોઈ વાહન સાચા રસ્તા પર જઈ રહ્યું હોય તો પણ એને એમ થાય કે, આપણે રોંગ સાઈડમાં નથી ને ?! એટલી હદે રોંગ સાઈડ વાહનો દરેક મહાનગરોમાં દોડી રહ્યા છે.
અદાલતના આ અવલોકન બાદ સરકારે એમ કહ્યું કે, પોલીસ રોંગ સાઈડ પર ચાલતાં વાહનોના કેસ કરી રહી છે. અદાલતે કહ્યું: સરકારી વિભાગોનો બચાવ ના કરો. અમને લોકોની જિંદગીઓ બચાવવામાં રસ છે. લોકોના મોત થઈ રહ્યા છે. આવા પરિવારો પર શું વીતતી હશે ? માત્ર કેસની વાત ન કરો, આંકડાઓ ન આપો. રોંગ સાઈડ પર વાહનો ચલાવતા લોકોને કાયદાનું ભાન કરાવો. આકરો દંડ ફટકારો અથવા વાહન જ જપ્ત કરી લ્યો. કાયદાનો અમલ થતો દેખાવો જોઈએ.
આ ઉપરાંત અદાલતે રખડતાં પશુઓ, બિસ્માર રસ્તાઓ, અનિયંત્રિત ટ્રાફિક અને દબાણ સહિતના મુદ્દે સરકારને કહ્યું કે, હવેથી દર બુધવારે આ મામલાઓની સુનાવણીઓ થશે, દર સપ્તાહે અમને કામગીરીઓનો રિપોર્ટ આપો. શહેરોમાં ગમે તે સમયે ભારે વાહનો દોડી રહેલાં દેખાઈ રહ્યા છે, તમે જાહેરનામાનો અમલ કરાવી શકતા નથી ?!
-જામનગરમાં આ બધી સમસ્યાઓ અંગે સ્થિતિઓ શું છે ??…
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં પણ અવંતિકા ચાર રસ્તા (લીમડા લાઈન) ,ક્રિકેટ બંગલા, લાલબંગલા, સુપર માર્કેટ નજીક સ્વામી નારાયણ મંદિર વાળી ગલી, કાશી વિશ્વનાથ રોડ અને બેડી નાકા વચ્ચેનો રોડ વગેરે વિસ્તારોમાં રોંગ સાઈડ પર વાહનો બેરોકટોક દોડે છે. રખડતાં પશુઓની સમસ્યા કયારેય હલ થઈ નથી, પાર્કિંગની જગ્યાઓનો અભાવ, ગેરકાયદેસર પાર્કિંગ, રસ્તાઓ પર દબાણો- વગેરે બાબતો અન્ય મહાનગરો માફક જામનગરમાં પણ જોવા મળે છે, છેક રાષ્ટ્રપતિ સુધી આવી રજૂઆતો થતી રહે છે, શહેર SDM કોર્ટમાં અનેકવખત રજૂઆત તથા ફરિયાદ થતી રહે છે તો પણ વર્ષોથી સ્થિતિઓ જૈસે થે જોવા મળી રહી છે !