Mysamachar.in-ગુજરાત:
GST નંબર મેળવવાની પ્રક્રિયાઓ હવે સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારને એવી ફરિયાદો મળી રહી હતી કે, નંબર મેળવવાની પ્રોસેસ દરમિયાન કેટલાંક અધિકારીઓ જરૂરી આધારો માટે ધંધાર્થીઓને ખૂબ પરેશાન કરી રહ્યા છે અને આ પ્રક્રિયાઓમાં ભ્રષ્ટાચારની પણ ફરિયાદ થતી હતી. હવે આ પ્રોસેસમાં સુધારાઓ કરવામાં આવ્યા છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ઈન્ડાયરેકટ ટેકસિસના દાવા અનુસાર, હવે ધંધાર્થીઓને માત્ર 7 દિવસમાં GST નંબર આપી શકાશે. જો કે, જોખમી બિઝનેસના કિસ્સાઓમાં ધંધાકીય સ્થળના રૂબરૂ વેરિફિકેશનના 30 દિવસના સમયમાં નંબર પ્રાપ્ત થઈ શકશે.GST ના કેટલાંક ફિલ્ડ ઓફિસરો કાલ્પનિક સવાલો કરીને બિનજરૂરી દસ્તાવેજોની માંગણી કરી ધંધાર્થીઓને હેરાન કરી રહ્યા છે એવી ઘણી બધી ફરિયાદો બોર્ડને મળી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ક્યા ક્યા દસ્તાવેજો જરૂરી છે તેની એક યાદી બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવી છે. અધિકારીઓ હવે આ યાદીમાં સમાવેશ કરવામાં આવેલાં દસ્તાવેજો જ ઓનલાઈન માંગી શકશે. બોર્ડે કહ્યું: રજિસ્ટ્રેશન અરજી પ્રોસેસ કરતી વખતે અધિકારીઓએ આ દસ્તાવેજોની ઓરિજિનલ ફિઝિકલ કોપી માંગીને ધંધાર્થીઓને પ્રશ્નો કરવા જોઈએ નહીં.
પ્રિન્સિપલ પ્લેસ ઓફ બિઝનેસના દસ્તાવેજોના સંદર્ભમાં, અરજદારે આપેલો કોઈ પણ એક દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે. જેમાં મિલકતવેરાની રસીદ અથવા મ્યુનિસિપલ ખાતાંની નકલ જેમાં અરજદારના પાણીના બિલની નકલ કે વીજળીના બિલની નકલનો પણ સમાવેશ થાય છે. જો ભાડાની જગ્યા હશે તો, ધંધાકીય જગ્યા દર્શાવવા અરજદાર આ માટેના કોઈ પણ એક દસ્તાવેજ સાથે ભાડા/લીઝ કરાર અપલોડ કરી શકશે.