Mysamachar.in: જામનગર
જામનગર શહેરમાં મહાનગરપાલિકા વતી ડોર ટુ ડોર કચરો કલેકટ કરવાની કામગીરીઓનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની પાવરલાઈનની દાદાગીરી દિવસેદિવસે વધી રહી હોવા છતાં દર વખતે આ કંપની કોઈ કારણસર બચી જાય છે, એ પ્રકારના અહેવાલો વચ્ચે પાવરલાઈન કંપની વધુ એક વખત વિવાદમાં ઘસડાઈ છે, આ વખતે કંપનીના અધિકારી વિરુદ્ધ FIR થઈ છે, આ મામલો કંપની માટે અઘરો પૂરવાર થશે એવું દેખાઈ રહ્યું છે.
પાવરલાઈન કંપનીના માલિકો કયાંય અથવા કયારેય ચિત્રમાં આવતાં નથી અને દરેક વિવાદી પ્રકરણમાં આ કંપની પોતાના અધિકારીઓને આગળ કરી દે છે એવું અત્યાર સુધી જોવા મળી રહ્યું છે, નવાઈની વાત એ પણ રહી છે કે, આટલાં વિવાદો છતાં કોન્ટ્રાક્ટ આપનાર કોર્પોરેશને કયારેય પાવરલાઈન કંપનીના માલિકને કોર્પોરેશન સમક્ષ હાજર થવા ફરમાન છોડયું નથી, તેના પરથી આ કંપનીની પહોંચનો અંદાજ લગાવી શકાય.
આ વખતે મામલો પેચીદો બન્યો છે. અત્યાર સુધી બધાં વિવાદમાં પાવરલાઈન કંપની જે અધિકારી(કામદારોના કહેવા મુજબ, કંપનીના મેનેજર)ને આગળ કરી દઈ, પોતે જવાબદારીઓમાંથી છટકી જતી હતી, તે મેનેજર વિરુદ્ધ જ FIR થતાં કંપની તથા આ કથિત મેનેજર માટે મુશ્કેલીઓ શરૂ થઈ હોવાનું બહાર આવ્યું છે. FIR માં એટ્રોસિટીની પણ કલમ દાખલ કરવામાં આવી હોય, આ આરોપી અધિકારી માટે માઠાં દિવસો દેખાઈ રહ્યા છે.

જામનગરના પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કંપનીના આ અધિકારી વિરુદ્ધ FIR દાખલ થઈ છે. ફરિયાદ મંગળવારે સાંજે દાખલ થઈ છે. આ FIR માં જણાવ્યા અનુસાર, અધિકારીએ આ ગુનો ગત્ ત્રીજી જાન્યુઆરીએ આચર્યો હતો. માત્ર ફરિયાદી જ નહીં, ફરિયાદી સાથે રહેલાં પાવરલાઈન કંપનીના અન્ય કર્મચારીઓને પણ આરોપી અધિકારીએ ધમકાવ્યા હતાં, એમ FIR માં જણાવાયું છે.
જામનગરના સત્યમ કોલોની રોડ પર એરફોર્સ-2 નજીકના પ્રશાંતનગરમાં રહેતાં અને પાવરલાઈન સેલ્સ એન્ડ સર્વિસ નામની આ કંપનીના કર્મચારી નારણભાઈ દેવજીભાઈ જોડ નામના કંપનીના ડ્રાઇવરે આ FIR માં જણાવ્યું છે કે, ગત્ તા. 3 જાન્યુઆરીએ સવારે આશરે સાડાસાત વાગ્યે, આ ફરિયાદી તથા સાહેદો (પાવરલાઈન કંપનીના અન્ય કર્મચારીઓ) પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત માટે, કંપનીના મેનેજર રમેશ રાણાભાઈ જલુની મુલાકાતે ગયા હતાં. કર્મચારીઓના પડતર પ્રશ્નોમાં પગાર સ્લીપ, બોનસ તથા EPF સહિતના મુદ્દાઓનો સમાવેશ થતો હતો. ફરિયાદી સહિતના સાહેદ કર્મચારીઓએ આ પ્રશ્નોની રજૂઆત કરી ત્યારે આ આરોપી અધિકારી ખૂબ જ ઉશ્કેરાયેલા અને રજૂઆત સાંભળવાને બદલે ઉગ્ર બની ગયેલા, બાદમાં આ ઉશ્કેરાયેલા આરોપી અધિકારીએ ફરિયાદી તથા સાહેદોને બેફામ અને અતિ ગંદી ગાળો આપી હતી અને આ તમામ કર્મચારીઓને જાતિ પ્રત્યે હડધૂત કરી, જાહેરમાં અપમાનિત કર્યા હતાં, એવું ફરિયાદીએ પોલીસમાં જાહેર કર્યું છે.

પોલીસે આરોપી અધિકારી રમેશ જલુ વિરુદ્ધ IPCની કલમ 504, 294(b) તથા એટ્રોસિટીની એકટની કલમ-3(1)(R)(S), 3(2,5A) મુજબ ગુનો દાખલ કર્યો છે. મામલો એટ્રોસિટીનો હોય, DySP D.P.વાઘેલાના સુપરવિઝન હેઠળ આરોપી વિરુદ્ધની તપાસ હાથ ધરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં લાંબા સમયથી આ પાવરલાઈન કંપની કર્મચારીઓનું શોષણ કરી રહી હોવાની રજૂઆતો સત્તાવાળાઓ સમક્ષ થઈ રહી હોવા છતાં, આ મામલાનું નિરાકરણ આવ્યું નથી, તે દરમિયાન આ ગંભીર કલમો સાથેની FIR દાખલ થતાં મામલો હવે ગરમાયો છે.