Mysamachar.in-અમદાવાદ:
ઘણાં બધાં તરૂણ-તરૂણીઓ અને કિશોરો તથા યુવાઓને મોબાઇલ પર ગેમ રમવાનો ચસકો હોય છે, તેઓની આ નબળી કડીને શાતિર શખ્સો પોતાની કમાણીનું સાધન બનાવી લ્યે છે. અને આવા એક કિસ્સામાં તો એક નિર્દોષ કિશોરે આપઘાત કરી લેવો પડ્યો, ત્યાં સુધી વાત આગળ વધી ગઈ. આ બનાવ એક પ્રકારની લાલબતી છે, મોબાઇલનો ઉપયોગ કરતી વખતે નાની સરખી ગફલત કે લાલચ માણસની જિંદગીને મોત સુધી પહોંચાડી દેતી હોય છે, એવો આ બનાવ જાણવાજોગ છે.
આ ગમગીન કિસ્સાની વિગત એવી છે કે, અમદાવાદના એક કિશોરે આ કેસમાં આપઘાત કરી લેવો પડ્યો છે. અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતાં 15 વર્ષના એક કિશોરે આત્મહત્યા કરી. આ મામલાની તપાસનાં અંતે, શહેર કોટડા પોલીસ અને સાયબર ક્રાઈમની ટૂકડીએ 3 પરપ્રાંતિય શખ્સોની ધરપકડ કરી છે. આ હરામખોરો ખંડણીખોર હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સો મોબાઇલ મારફતે શિકાર શોધી લેતાં હતાં, અને કાળી કમાણી કરતાં હતાં, એવું તપાસમાં જાણવા મળતાં, પોલીસે આ શખ્સોનું પગેરૂં શોધી કાઢયું.
પોલીસે આ મામલામાં મધ્યપ્રદેશના ત્રણ લોઢી શખ્સોની ધરપકડ કરી છે, આ શખ્સોએ મૃતક કિશોર પાસેથી રૂ. 23,000ની ખંડણી ઉઘરાવી હતી, વધુ નાણાં મેળવવા મૃતકને બ્લેકમેલ કરતાં હતાં. જેને કારણે અંતે આ કિશોરે આપઘાત કરી લીધો. આ શખ્સોએ કિશોરનો ન્યૂડ વીડિયો બનાવી લીધો હતો, જેનો ઉપયોગ કરીને આ શખ્સો કિશોર પાસેથી નાણાં વસૂલતાં હતાં.
મૃતક કિશોર મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો ત્યારે વચ્ચે અચાનક એક જાહેરાત આવી, કિશોરે જાહેરાત વાંચવાની જિજ્ઞાસા ખાતર જાહેરાત પર ક્લિક કર્યું, આ ક્લિક તેના મોતનું કારણ બની. કિશોરે જાહેરાત પર ક્લિક કરતાં જ કાવતરાખોર શખ્સોએ કિશોરનો મોબાઇલ મારફત સંપર્ક કર્યો, આ આરોપીઓએ કિશોરને એક યુવતીનો ન્યૂડ વીડિયો દેખાડી, કિશોરનો વીડિયો રેકોર્ડિંગ કરી લીધો.
બાદમાં આ કિશોરને આરોપીઓએ બ્લેકમેલ કરવાનું શરૂ કરી, કિશોર પાસેથી કટકે કટકે રૂ. 23,000 મેળવી લીધાં. બાદમાં વધુ નાણાંની માંગ કરી, આથી ગભરાઈ ગયેલા કિશોરે આત્મહત્યા કરી લીધી. આ આરોપીઓની પૂછપરછમાં આ તમામ વિગતો જાહેર થઈ. પોલીસે આરોપીઓના એક મોબાઇલ નંબર પરથી આ આખી ઘટનાનો ભેદ ઉકેલી લીધો હતો. અને પોલીસે આ આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી અન્ય રૂ. 2 લાખની રકમ પણ કબજે લીધી છે,
મધ્યપ્રદેશના આ શખ્સો લાંબા સમયથી આ રેકેટ ચલાવતાં હોવાનું અને આ પ્રકારના તરૂણો અને કિશોરોને શિકાર બનાવતા હતાં, એવું આ પ્રકરણની તપાસમાં બહાર આવ્યું છે. મોબાઇલ પર ગેમ રમતાં કિશોરોની આ રીતે ગેઈમ કરી નાંખવાના આ બનાવની હકીકતો સામે આવતાં જ મૃતક કિશોરના પરિવારજનો અને આ પ્રકારના કિશોરોના વાલીઓ ફફડાટ અનુભવી રહ્યા છે. આ પ્રકારના લાલબતી સમાન કિસ્સાઓ અવારનવાર બહાર આવતાં રહે છે, છતાં આ પ્રકારના કિસ્સાઓ બનતાં જ રહે છે, આ આખો ટ્રેન્ડ ભયાનક અને ખૂબ જ ચિંતાપ્રેરક છે. એવું નથી કે, કિશોરો જ શિકાર બને છે, પુખ્ત ઉંમરના અને આધેડ અથવા વૃદ્ધ લોકો પણ આ રીતે ગુનેગારોના શિકાર બની જતાં હોય છે, ઘણાં કિસ્સાઓમાં તો કિશોરો અથવા યુવક અથવા યુવતીઓની આત્મહત્યાઓ પછી, હકીકતો બહાર પણ આવતી હોતી નથી.