Mysamachar.in-અમરેલી:
આમ તો ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના અનેક બણગાઓ ફૂંકવામાં આવે છે , પણ છાશવારે સામે આવતી રહેતી મહિલાઓ પર એસીડ અટેકની ઘટના મહિલા સુરક્ષાના દાવાઓની પોલ ખોલનાર પણ કહી શકાય…આવો જ વધુ એક ગુજરાતને શરમશાર કરતો કિસ્સો અમરેલી જીલ્લામાં સામે આવ્યો છે, અને ગંભીર બાબત તો એ છે કે ગર્ભવતી મહિલાને પણ છોડવામાં આવી નથી અને ગર્ભવતી મહિલા સહીત બે પર એસીડ અટેક કરવામાં આવતા આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે.
અમરેલી સાવરકુંડલામા હાથસણી રોડ પર રહેતા નણંદ ભોજાઇ હોસ્પિટલેથી ઘરે પરત જઇ રહ્યાં હતા ત્યારે બે શખ્સોએ બંને પર એસિડ ફેંકતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. એસિડ એટેક કરનાર શખ્સો પિતા પુત્ર હોવાનું કહેવાય છે.જેના પર અટેક થયો તેમાંથી એક મહિલા સગર્ભા હોવાથી બંને નણંદ ભોજાઇ સાંજે ખાદી કાર્યાલય નજીક હોસ્પિટલે તબીયત બતાવવા ગયા હતા. અને ત્યાંથી કાકાના ઘરે ખબર કાઢવા ગયા હતા. ખબર કાઢી બંને મહિલાઓ પરત પોતાના ઘર તરફ આવી રહી હતી ત્યારે તેના પર બે શખ્સોએ એસિડ ફેંકયું હતુ.બંનેને આ એસિડ હુમલામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે સારવાર માટે પ્રથમ સાવરકુંડલા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે મોડી રાત્રે અમરેલી સિવીલમાં રીફર કરાયા હતા. એક મહિલાની હાલત નાજુક હોય તેમને આગળની સારવાર માટે રાજકોટ રીફર કરવા તજવીજ હાથ ધરાઇ હતી.આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળે છે.