Mysamachar.in-અમરેલી
સમગ્ર રાજ્યમાં હાલ અમરેલીનો એક ઓડિયો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને તેમાં અમરેલી પોલીસની આબરૂ દાવ પર લાગી જવા પામી હતી, વાત કઈક એવી હતી કે અમરેલીમાં પેટ્રોલપંપના માલિક પાસે દસ લાખ રૂપિયાની ખંડણી માગી કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાવનારા શખ્સે પોલીસને રીતસરનો પડકાર ફેક્યાની ઘટનાથી પોલીસ પણ હરકતમાં આવી હતી, અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામા આવ્યા બાદ અમરેલી એલસીબીએ છત્રપાળ વાળા નામના ખંડણીખોર શખ્સ જેને ફોન કરી પેટ્રોલપંપના માલિક પાસે દસ લાખ રૂપિયાની માગણી કરતો હોય તેને દબોચી લઇ અને પોલીસ શું હોય તેની તાકાતનો અહેસાસ કરાવી દીધો છે.
અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળા નામના શખ્સે 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માગ કરી હતી, અન્યથા પેટ્રોલપંપના માલિક પર ફાયરીંગ કરવાની ધમકી આપી હતી.છત્રપાલ વાળા અને પેટ્રોલપંપના માલિક હિતેષભાઈ વચ્ચેની વાતચીતની વાઈરલ થયેલી સાડા ત્રણ મિનિટની ઓડિયો ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અવિષે પણ બેફામ વાણીવિલાસ કર્યો હતો. છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની માગ કરી હતી. પેટ્રોલપંપના માલિકે ના પાડતા ત્રણ દિવસમાં ફાયરીંગ કરવાની ધમકી પણ આપી હતી. જે બાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા અલગ અલગ ટીમો બનાવી પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામા આવી અને અંતે 48 કલાકમાં અમરેલી એલસીબીએ તેને ઝડપી પાડ્યો હોવાનું ટવીટ અમરેલી જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે કર્યું છે.