Mysamachar.in-અમરેલી
અમરેલીમા જેશીંગપરા વિસ્તારમાં રહેતા એક યુવકને લગ્નની લાલચ આપી જુનાગઢના ડુંગરપુરની યુવતી સહિત ત્રણ શખ્સાએ રૂપિયા 1.90 લાખ પડાવી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે, લગ્નની લાલચ આપી યુવક પાસેથી 1.90 લાખ પડાવી લીધાની આ ઘટના અમરેલીના યુવક સાથે બની હતી. અમરેલીમાં વસવાટ કરતા ચિરાગ ગોહિલે અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની જ્ઞાતિના શૈલેષભાઇ દામાણીને કયાંક છોકરી હોય તો અમને કહેજો તેમ વાત કરી હતી.
જેથી તેણે જુનાગઢમા રહેતા જેતુભાઇ ઉર્ફે જેઠાબાપા મુંજાભાઇ વાંદાના સંપર્ક કરાવ્યો હતો તેણે છોકરી છે તમે જણાવી આવવા કહેતા યુવક અને તેના પિતા તેમજ શૈલેષભાઇ જુનાગઢ ગયા હતા. અને ત્યાંથી ડુંગરપુર ગામે ગયા હતા.જેઠાબાપાની સાથે તેના મિત્ર ભીમભાઇ કરશનભાઇ હુણ પણ સાથે આવ્યા હતા. ડુંગરપુરમા રહેતા મધુબેન કુંવરીયાને ત્યાં છોકરી જોવા ગયા હતા અને તેની દીકરી રાધિકા સાથે યુવકની વાતચીત કરાવી દીધી હતી. જોકે મધુબેને લગ્ન કરવા હોય તો અમારી માથે સવા બે લાખનુ દેણુ છે તે રોકડા પૈસા આપવા પડશે તેમ કહ્યું હતું,
બાદમા યુવક અમરેલી આવી ગયા હતા. થોડા સમય બાદ યુવતી તેની માતા તેમજ જેઠાબાપા, ભીમભાઇ વિગેરે ઘરે આવ્યા હતા. અને રકઝકના અંતે રૂપિયા 1.90 લાખ આપી દીધા હતા.બાદમા યુવક તેના બહેન બનેવી તેમજ પિતાને લઇને જુનાગઢ ગયા હતા ત્યાં કોર્ટ પાસે સ્ટેમ્પ લેવડાવી લગ્ન બાબતનુ લખાણ કરાવી લીધુ હતુ. અને રાધિકાને લઇને યુવક અમરેલી આવી ગયા હતા. અહી બાલાજી હનુમાન મંદિરે ફોટા પણ પડાવ્યા હતા. જો કે બાદમા યુવતી ઘરેથી કોઈને કહ્યાં વગર ડુંગરપુર ભાગી ગઇ હતી. બાદમા યુવકે ફોન કરતા યુવતીને તેડવા નહી આવતા કહી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બનાવ રાધિકા ઘરેથી નીકળી ગયા બાદ ચિરાગે યુવતીની માતા મધુબેનને ફોન કરતા દરમિયાન યુવતી તેમજ જેઠાબાપા અને ભીમભાઇ પણ હાજર હતા. જો કે આ લોકોએ હવે યુવતીને તેડવા નહી આવતા નહિતર મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. જેને પગલે યુવકે ચારેય સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.


























































