Mysamachar.in-અમરેલીઃ
અમરેલીના સાવરકુંડલાના લુવારા નજીક એક ખેતરમાંથી એવી વસ્તુ મળી છે, જેનાથી આસપાસના ગામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. બાતમીના આધારે અમરેલી એસઓજીની ટીમે ખેતરમાં દરોડા પાડ્યા હતા, આ દરમિયાન ખેતરમાં સંતાડીને રાખેલો વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એટલું જ નહીં સાથે પિસ્તોલના બે ખાલી કાર્ટીસ પણ મળી આવ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે સાવરકુંડલાના લુવારા ગામે ગાધકડા જતા રસ્તાકાંઠે આવેલી અશોક જયતા બોરીચાના ખેતરમાંથી ગેરકાયદે વિસ્ફોટકોનો જથ્થો હોવાની બાતમીના આધારે એસઓજી ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ખેતરમાંથી નાગપુર બનાવટના 213 જીવતા જીલેટીન સ્ટીક, 174 નંગ જીવતા ઇલેક્ટ્રોનિક ડિટોનેટર અને બે પિસ્તોલના ખાલી મેગેઝીન મળી આવ્યા હતા. ખેતરમાં પોલીસે દરોડો પાડ્યાની જાણ થતા જ ખેતરનો માલિક ફરાર થઈ ગયો હતો, વિસ્ફોટક પદાર્થોનો જથ્થો કોની પાસેથી મેળવવામાં આવ્યો અને શા માટે અહીં રાખવામાં આવ્યો હતો, શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.