Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
તાજેતરમાં જ રેતીની ખનીજચોરી મામલે વ્યાપક ફરિયાદો ઉઠયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહીવટીતંત્ર હરકતમાં આવીને મોટેપાયે ઓપરેશન શરૂ કરવાના પ્રયાસો તો હાથ ધરી રહ્યું છે,પરંતુ ખનીજ માફિયા તત્વોના જબરદસ્ત નેટવર્ક હોવાના કારણે રેતીચોરોને પકડવામાં તંત્રને નિષ્ફળતા મળી રહી છે,ત્યારે તંત્ર પર કોણ નજર રાખીને રેતીની ખનીજચોરી કરતા માફિયા તત્વોને મદદ કરી રહ્યું છે તેવા સવાલો ઉભા થયા છે,
કલ્યાણપુર વિસ્તારમાં બોકસાઇટ ચોરી સાથે દરિયાઈ વિસ્તારમાં મોટાપાયે રેતી ચોરીનુ કૌભાંડ છેલ્લા ઘણા સમયથી શરૂ થયું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ મીડિયામાં આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા,જેનાથી ચોકી ઉઠેલા કલેકટર ડો.નરેશકુમાર મીના દ્વારા ખાણ ખનીજ અધિકારી પટેલ અને કલ્યાણપુરના મામલતદાર ખરાડીને રેતીચોરી પકડવા માટે સુચના આપી હતી,ત્યારબાદ ગઈકાલે ખાનગી વાહનો લઈને અત્યંત ખાનગી રીતે રાત્રીના ૯ થી વહેલી સવાર સુધી કલ્યાણપુર તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા ભોગાત, લાંબા નાવદ્રા વગેરે ગામોમાં રેતીચોરોને પકડવા માટે તંત્ર દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
પરંતુ રેતીચોરી કરતા તત્વોને જાણભેદુ એવા ફૂટેલા કર્મચારીઓ દ્વારા બાતમી આપવામાં આવતા દરિયાઈકાંઠા વિસ્તારમાં ખુલ્લેઆમ જેસીબી, હિટાચી, ડમ્પર વગેરે દ્વારા ધમધમતા આ ધંધામાં ગઈકાલે હડતાલ જેવું હોય એક પણ વાહનો રેતીચોરીના સ્થળોએ જોવા મળ્યા ન હતા અને તંત્ર દ્વારા ચાર કલાકના ચેકિંગ કરવા છતાં કશુ હાથ ન લાગતા રેતી ચોરીના નેટવર્ક સામે સરકારી તંત્ર ટુકુ પડ્યું હતું.
આમ જીલ્લાના વહીવટ તંત્ર દ્વ્રારા તમામ એજન્સીઑને સાથે રાખીને મોટાપાયે ઝુંબેશ હાથ ધરવામાં આવે તો જ ખનીજચોરો પર લગામ આવી શકે તેમ છે,અને તંત્રમાંથી જ જો કોઈ ફૂટેલું હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવા માંગણી ઉઠી છે.