Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં પ્રજાને સુખ-શાંતિનું વચન આપીને સત્તા ટકાવી રાખવામાં સફળ રહી છે,પરંતુ હવે ક્યાંકને ક્યાંક અમુક કાર્યકરોના કારણે ભાજપ બદનામ થઈ રહ્યું હોય તેવું લોકો અનુભવી રહ્યા છે, એક સામે આવેલા કિસ્સા મુજબ દ્વારકામાં એક વેપારીની માલિકીની જગ્યા આગળ સરકારી પ્લોટમાં બાંધકામ ખડકીને રેસ્ટોરન્ટ બનાવી નાખ્યાનો દ્વારકા નગરપાલિકાના ઉપપ્રમુખ સામે આક્ષેપો થયા બાદ આ બાંધકામ તોડી નાખવા અંગેના હુકમનો પણ અનાદર થતો હોય આવા અન્યાયથી દ્વારકાના વેપારી આલમમાં રોષ જોવા મળી રહ્યો છે,
દ્વારકાના ચર્ચાસ્પદ આ કેસની વિગત એવી છે કે દ્વારકાના કાંતિભાઈ ચંદારાણાની માલિકીની રિલાયન્સ રોડ પર આવેલ જગ્યાની આગળ સરકારી જમીન આવેલી છે, જેમાં પરેશ જાખરીયાએ સત્તાના જોરે બાંધકામ ખડકી દઈને રેસ્ટોરેન્ટ બનાવી નાખ્યું અને કાંતિભાઈ ચંદારાણાની માલિકીની જગ્યા આગળ આવું બાંધકામ થતા આ મામલે લાંબી લડત આપ્યા બાદ રાજકોટ પ્રાદેશિક નિયામકે આ જગ્યા ખાલી કરવાનો ત્રણ માસ પહેલા તા.૦૧/૦૧/૨૦૧૯ના રોજ હુકમ કરેલ હોવા છતાં અમલવારી થતી નથી,
તેવા આક્ષેપ સાથે કાંતિભાઈ ચંદારાણાએ ફરીથી પ્રાદેશિક નિયામકમાં આ મામલે અરજી કરીને હુકમના અનાદર બદલ દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર વગેરે સામે પગલાં ભરવાની માંગણી કરી છે, આમ ભાજપના શાસનમાં દ્વારકાના વેપારી વર્ગમાંથી આવતા કાંતિભાઇ ચંદારાણા છેલ્લા ઘણા સમયથી દ્વારકા નગરપાલિકાના ઉપપ્રમુખ પરેશ જાખરીયા દ્વારા ખડકી દેવામાં આવેલા બાંધકામ સામે લડત આપતા હોય તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેનાથી વેપારીમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેના કારણે ક્યાંકને ક્યાંક ભાજપને નુકસાની થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે,
ચીફ ઓફિસર શું કહે છે..
દ્વારકામાં કાંતિભાઈ ચંદારાણાની માલિકીની દુકાન આગળ ખડકાયેલા બાંધકામ દૂર કરવાના હુકમ અંગે ચીફ ઓફિસર ડુડીયાની Mysamachar.in દ્વારા ટેલિફોનિક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેઓ કોઈના ઇશારે કામ કરી રહ્યા હોય તેમ ત્રણ-ત્રણ માસથી બાંધકામ દુર કરવાનો હુકમ થયો હોવા છતાં પણ આજે પણ એવું જણાવે છે કે ટૂંક સમયમાં બાંધકામ દૂર કરવામાં આવશે પરંતુ ક્યારે આ બાંધકામ તોડી પાડવામાં આવશે તેની સ્પષ્ટતા ન કરી તે બાબત પણ શંકા ઉપજાવનારી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.