Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં નદીઓની શું સ્થિતિ છે ?! તે આપણે સૌ જાણીએ જ છીએ. આ દિશામાં NGT પણ હવે ચલાવી લેવાનાં મૂડમાં નથી અને ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં આ વિષયમાં કડક હાથે કામ લ્યે એવું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ઇચ્છે છે. અને એટલે જ, NGTએ ગુજરાત સરકારને કડક આદેશ આપ્યો છે કે, આ કામગીરી કરવા – નદીઓ ચોખ્ખી રાખવા રૂ.2,100 કરોડનું ફંડ અલગ રાખો. નાણાંના અભાવે આ દિશામાં કામ અટકવું જોઈએ નહીં, એવો આશય આ આદેશ પાછળ હોવાનું સમજાઈ રહ્યું છે.
જામનગર સહિત રાજ્યભરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પ્રશંસાપાત્ર નથી. લગભગ તમામ શહેરોની નદીઓમાં ગટરોનાં પાણી ઠલવાઈ રહ્યા છે. નદીઓ ખુદ મોટી ગટરો બની ગઈ છે. એટલું જ નહીં, જામનગર જેવાં શહેરોમાં તો ઉદ્યોગોનાં ઝેરી અને જોખમી તથા પ્રદૂષિત પાણી પણ નદીઓમાં ઠલવાતાં હોવાને કારણે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ગંભીર છે.
NGT સુપ્રિમ કોર્ટ પ્રકારની સર્વોચ્ચ સંસ્થા છે. જે કેન્દ્ર સરકારને પણ આદેશ આપી શકે છે અને દંડ તથા સજા પણ ફટકારી શકે છે. આ રાષ્ટ્રીય સંસ્થા દેશભરમાં પર્યાવરણની સંભાળ લ્યે છે. પ્રદૂષણ પર નજર રાખે છે અને આકરી કાર્યવાહી હાથ ધરે છે. પાછલાં સમયમાં ગુજરાત સરકારે નદીઓને પ્રદૂષણથી બચાવવાની કામગીરીમાં નાણાંનો પ્રશ્ન નડે છે એવાં જવાબો આપેલાં જેને ધ્યાને લઈ NGTએ ગુજરાત સરકારને કહ્યું છે કે, આ કામગીરી માટે રૂ.2,100 કરોડનું ફંડ અલગ રાખો. આ નાણાં અન્ય કોઈ કામમાં વાપરી શકાશે નહીં. દરેક શહેરમાં સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનાં રહેશે. ગટરોનાં પાણી નદીઓમાં ન ઠલવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
NGTએ ગુજરાત સરકારને એવો પણ આદેશ આપ્યો છે કે, આ કામગીરી ઝડપથી હાથ ધરવા રાજ્યનાં મુખ્ય સચિવનાં અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ કમિટી બનાવો અને દરેક જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટનાં અધ્યક્ષસ્થાને મોનિટરીંગ કમિટી બનાવો. દર મહિને પરિસ્થિતિની સમીક્ષા થવી જોઈએ. આ પ્રકારની મોનિટરીંગ કમિટીઓ 01-03-2023 પહેલાં રચવાનો NGTનો આદેશ હતો. આમ છતાં જામનગર જિલ્લામાં આજની તારીખે આ પ્રકારની કમિટીની રચના થવા પામી નથી ! અત્રે ઉલ્લેખનીય છે કે, 2014 માં અને 2017 માં આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ આદેશો છોડ્યા હતાં. આજે નવ વર્ષ પછી પણ ગુજરાતમાં NGTએ સુપ્રિમ કોર્ટનાં ચુકાદાને અનુસંધાને આ પ્રકારના ઓર્ડર આપવા પડે છે ! તેનાં પરથી સમજી શકાય છે કે, નદીઓને પ્રદૂષણથી મુક્ત રાખવાની દિશામાં ગુજરાતમાં કેટલી ઝડપે કામગીરી કરવામાં આવી રહી છે ?!
NGT નાં ચેરપર્સન આદર્શકુમાર ગોયલ, જસ્ટિસ સુધીર અગ્રવાલ અને એક્સપર્ટ મેમ્બર સએનથઇલ વેલ દ્વારા ગુજરાત સરકારને અપાયેલાં ઉપરોક્ત આદેશમાં જણાવાયા મુજબ, ગુજરાત સરકારે સ્વીકાર્યું છે કે – રાજ્યમાં દૈનિક ધોરણે 1,055 મિલિયન લિટર ગટરનાં પાણી ટ્રીટમેન્ટ વિના જ નદીઓમાં અને સમુદ્રમાં ઠલવાઇ રહ્યા છે ! આ ઉપરાંત દૈનિક ધોરણે 1,452 મેટ્રિક ટન કચરો એકત્ર કર્યા બાદ પ્રોસેસ થતો નથી ! પર્યાવરણ સુરક્ષા સમિતિના સભ્ય રોહિત પ્રજાપતિ (અમદાવાદ) કહે છે : ગુજરાત સરકારે NGT સમક્ષ સાચું ચિત્ર રજૂ કર્યું નથી. સરકારે ટ્રીટમેન્ટ વિનાનાં ગંદા પાણીનાં જે આંકડા આપ્યા છે તે આંકડાઓ માત્ર મોટાં શહેરોના જ છે. ગામડાઓમાં શું સ્થિતિ છે ? તે અંગે સરકાર મૌન રહી છે. રાજ્યભરમાં બેહિસાબ રીતે ભૂગર્ભજળનો ઉપયોગ ઘરોમાં, કોમર્શિયલ કામોમાં અને ઉદ્યોગોમાં થઇ રહ્યો છે, તેમાંથી જે ગંદા પાણી નીકળે છે તેનો સરકારે ક્યાંય હિસાબ આપ્યો નથી !