Mysamachar.in-જામનગર:
કાલાવડ તાલુકાનાં પીઠડીયા-૪ થી જામનગર તાલુકાનાં ધુતારપર સુધી બે તાલુકાને જોડતા અતિ અગત્યના રોડને મંજુર કરવા માટે પીઠડીયા ગ્રામજનો,સુમરી તેમજ ધુતારપરના ગ્રામજનો દ્વારા આર.સી.ફળદુથી માંડીને ગાંધીનગર સુધી રજુઆત કરીને તેમજ આંદોલનની ચીમકી આપતા અંતે આ રોડ મંજુર કરીને થોડા સમયપૂર્વે કામ કરવામાં આવ્યા બાદ ૮ માસની અંદર જ પીઠડીયા થી ધુતારપર સુધીના રોડમાં ઠેર-ઠેર ગાબડાઓ પડી જતા ગ્રામજનોનો જીવ દુભાઈ રહ્યો છે,
તેવામાં નિવૃત પી.એસ.આઈ. અને સુમરી ગામના વતની સાગરદાન ગઢવીએ અવાજ ઉઠાવીને આ રોડના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કામમાં બેદરકારી રાખવા બદલ તપાસ કરવાની માંગણી સાથે ફોજદારી કરવાની પણ ચીમકી ઉચ્ચારી ગાંધીનગર તકેદારી આયોગમાં ફરિયાદ કરતાં સડક યોજનામાં ગેરરીતિ થયાનો વધુ એક મામલો સામે આવ્યો છે,કાલાવડ અને જામનગર તાલુકાને જોડતા પીઠડીયાથી સુમરી-ધુતાપર સુધી રોડનું કામ પૂર્ણ થયાને માત્ર ૮ માસ જેવો સમય થયો છે ત્યારે કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરતા રોડ તૂટી જવાથી મોટા-મોટા ગાબડા પડી ગયા છે જેથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે,
જેની જીલ્લા પંચાયતના અધિકારીઓને મૌખિક-લેખિતમાં વારંવાર રજુઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી, ઉલ્ટાનું કોન્ટ્રાકટરને પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોવાનો પણ થયેલ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તો પ્રજાના પરસેવાના નાણાંથી ભરાયેલ ટેક્સના નાણાંનો ખુબજ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચારેલ છે અને સરકારી નાણાંની ઉચાપત થયાનું ખુલ્લે તેમ છે,
ત્યારે પીઠડીયાથી સુમરી ધુતાપરના ગ્રામજનો વતી જાહેર હીતમાં નબળા રોડના કામમાં ગાબડા પડી ગયા હોય અને અકસ્માતના કારણે જાનહાની થશે તો નાછૂટકે બેદરકારીપૂર્વક કામ કરવા બદલ જવાબદાર અધિકારી તથા કોન્ટ્રાકટર વિરુધ્ધ આઇ.પી.સી.ની કલમ-૩૦૪ મુજબ ગુન્હો નોંધાવવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારીને જાહેર હીતમાં તપાસ કરી કાયદેસરના પગલા ભરવા રાજ્યના તકેદારી આયોગના ચીફ વિજિલન્સ કમિશ્નરને ફરિયાદના અંતે નિવૃત પી.એસ.આઇ. સાગરદાન ગઢવીએ માંગણી કરી છે,
આમ જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના ફંડના દુરઉપયોગનો વધુ એક કિસ્સો લોકજાગૃતિથી સામે આવતા જીલ્લા પંચાયત બાંધકામ વિભાગના કથિત ભ્રષ્ટાચારના એક પછી એક પ્રકરણો લોકો જ બહાર લાવીને ગાંધીનગર તકેદારી આયોગમાં ફરિયાદોનો મારો શરૂ કરતા સનસનાટી મચી જવા પામી છે અને જો આ મામલે ખરેખર યોગ્ય તપાસ થાય તો કેટલાય અધિકારીઓને ખાતાકીય તપાસથી માંડીને જેલના સળીયા ગણવા સુધીની પણ નોબત આવી શકે તેમ છે.
આટઆટલી ફરિયાદો છતાં પગલા ના લેવાય તે કેવું?
આ વિસ્તારમાં રસ્તાઓના કામોને લઈને થોકબંધ ફરિયાદો કામની ગુણવત્તાને લઈને ઉઠી રહી છે,છતાં પણ પારદર્શક વહીવટના બણગાં ફૂંકતી આ સરકારમાં નેતાઓની ઓથ મેળવીને બેઠેલા અધિકારીઓ પારદર્શક વહીવટના લીરેલીરા ઉડાવી રહ્યા છે અને સ્થાનિકોને હાલાકી નો પાર નથી ત્યારે લોકોમાં પણ એ સવાલ ચોકકસથી ઉઠી રહ્યો છે કે આ તે કેવો પારદર્શક વહીવટ?