Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જર, જમીન અને જોરુ- એ ત્રણ કજિયાના છોરુ, એ કહેવત અનુસાર જમીનોના મામલે જાતજાતની ફરિયાદો થતી રહેતી હોય છે, જે પૈકી કેટલીક ફરિયાદો ઉપજાવી કાઢેલી પણ હોય છે. આ પ્રકારની બદઈરાદાથી થયેલી 3 FIR રદ્દ કરવાનો હુકમ થયો છે. આ પ્રકરણે સમગ્ર દ્વારકા પંથકમાં ચકચાર જગાવી છે.
આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. દ્વારકા નજીકના શિવરાજપુર બીચ નજીકની કરોડો રૂપિયાની એક જમીન મામલે જેતે સમયે દ્વારકા પોલીસમાં 3 અલગ-અલગ FIR દાખલ થયેલી. આ ફરિયાદો પોલાભા નાયાણી, સાગાભા પેથાભા અને જીજીબાઈ દ્વારા નોંધાવવામાં આવેલી. જેમાં આરોપીઓ તરીકે સંજીવ નટવરલાલ ચાંદલીયા અને તેના કુટુંબીજનોના નામો જાહેર કરવામાં આવ્યા હતાં. ફરિયાદમાં એમ કહેવાયું હતું કે, આ જમીનોના બોગસ કરારો અને દસ્તાવેજ થયા છે. પોલીસે આ ફરિયાદોના આધારે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમો 406,420,467,468 અને 120(b) મુજબ ગુનાઓ દાખલ કર્યા હતાં.
બાદમાં આ કેસના આરોપીઓએ વડી અદાલતમાં આ ફરિયાદો વિરુદ્ધ ક્રોસિંગ પિટિશન ફાઇલ કરી. જેમાં જણાવાયું કે, જમીનોના કરાર અને દસ્તાવેજ રજિસ્ટર્ડ છે. આ ફોજદારી ફરિયાદો ફોજદારી કાર્યવાહીઓના દુરુપયોગ સમાન છે. અને સિવિલ નેચરના આ કેસમાં પોલીસ મારફત દબાણ લાવવા આ ફરિયાદો થયેલી છે. આ દલીલો સાથે સુપ્રિમ કોર્ટના જુદાં જુદાં ચુકાદાઓ પણ રજૂ કરવામાં આવેલાં અને ફરિયાદો રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી.
આ 3 FIR રદ્દ કરાવવા 3 અલગ-અલગ ક્રોસિંગ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. જેની આખરી સુનાવણી દરમ્યાન હાઈકોર્ટમાં બંને પક્ષોની દલીલો રજૂ થઈ. જસ્ટિસે હકીકતો, કાયદાના પ્રોવિઝન અને સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદાઓ ધ્યાન પર લઈ તમામ 3 FIR પ્રથમ દર્શનીય રીતે રદ્દ થવા પાત્ર છે એમ ઠરાવી દ્વારકા પોલીસમાં દાખલ થયેલી આ 3 FIR રદ્દ કરવા હુકમ કર્યો છે. આ ચુકાદાથી, આ કેસમાં આરોપીઓ તરફે સત્યનો વિજય થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શિવરાજપુર બીચ નજીકની આ જમીનોનો વિવાદ ઘણાં સમયથી દ્વારકા પંથકમાં રસપ્રદ રહ્યો હતો.






