Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા કેટલાંક સમયથી વાહનોમાં એક જોખમી ટ્રેન્ડ શરૂ થયો છે, આ ફેશન અકસ્માત સર્જી શકે છે અને માણસનો જીવ પણ લઈ શકે છે, આમ છતાં આ જોખમ પ્રત્યે RTO કે ટ્રાફિક પોલીસ અથવા હાઈવે પોલીસ દ્વારા આકરી અને સતત કાર્યવાહીઓ થતી નથી.
ઘણાં ફોર વ્હીલર ધારકો, ઘણી ટ્રાવેલ્સ બસ તથા કેટલાંક ટુ વ્હીલર ધારકો પોતાના વાહનમાં મોડિફાઈડ સફેદ હેડલાઈટ ફીટ કરાવે છે, આ પ્રકારની હેડલાઈટનો પ્રકાશ શેરડો ખતરનાક હોય છે, જે સામેથી આવતાં વાહનના ચાલકોની આંખ આંજી નાંખે છે અને આવા કિસ્સાઓમાં અકસ્માતની શકયતાઓ વધી જતી હોય છે. કેટલાંક કિસ્સાઓમાં ઘાતક અકસ્માત સર્જાઈ જતાં હોય છે અને માણસનું મોત પણ થતું હોય છે.
જાણકારોના કહેવા અનુસાર, કેટલાંક કિસ્સાઓમાં આવી હેડલાઈટ કંપની ફીટીંગ હોય છે અને કેટલાંક કિસ્સાઓમાં વાહનધારકો પોતાની રીતે હેડલાઈટ મોડિફાઈડ કરીને આવી હેડલાઈટ લગાડતાં હોય છે. ખાસ કરીને મોડિફાઈડ હેડલાઈટના કિસ્સાઓમાં આવા વાહનધારકો વિરુદ્ધ પ્રથમ વખત પકડાય ત્યારે રૂ. 5,000 નો દંડ થઇ શકે છે, બીજી વખત ઝડપાઈ જાય ત્યારે 10,000 નો દંડ થઇ શકે છે. સામાન્ય રીતે આરટીઓ ચેકપોસ્ટ ડ્રાઇવ વખતે આ કાર્યવાહીઓ થતી હોય છે, ખરેખર તો આ માટે આરટીઓ-પોલીસે રાત્રિના સમયે આ પ્રકારની ખાસ ડ્રાઇવ રાખવી જોઈએ અને આ પ્રકારના તત્વોને પાઠ ભણાવવો જોઈએ. કેમ કે, આ બહુ જોખમી બાબત છે.
આ ઉપરાંત ધોરીમાર્ગ પર વધુ પડતી અથવા જોખમી સ્પીડથી દોડતાં વાહનો વિરુદ્ધ પણ કાર્યવાહીઓ થવી જોઈએ, આ માટે કાયદામાં જેલસજાની પણ જોગવાઈ હોવા છતાં તંત્રો ખાસ ધ્યાન આપતાં નથી, જેના પરિણામે અકસ્માતો સર્જાતા રહે છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહે છે. આ ઉપરાંત રોડ પર બંધ હાલતમાં, પાર્કિંગ સિવાયની જગ્યાઓ પર ઉભાં રહેતાં ભારે વાહનો વિરુદ્ધ પણ આકરી કાર્યવાહીઓની જરૂર છે. આવા કિસ્સાઓમાં પણ અવારનવાર અકસ્માત થતાં રહેતાં હોય છે. પોલીસ અને આરટીઓ આવી બાબતોમાં સ્ફૂર્તિ ક્યારે દેખાડશે ? માર્ગ સલામતી સપ્તાહની માત્ર ઉજવણીઓ જ કરવાની ?! એવો પ્રશ્ન અત્રે ઉલ્લેખનિય છે.