Mysamachar.in-જામનગર:
જામનગરની નવાનગર બેંકના એક કર્મચારીએ પોતાના પિતરાઈ ભાઈ સાથે ગોઠવણ કરી એક એકાઉન્ટન્ટને હિસાબમાં રૂ. 31 લાખનું ગોથું ખવડાવી દીધાનો મામલો એસપી પાસે પહોંચ્યા બાદ આ છેતરપિંડીની FIR દાખલ થઈ. જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને એક ગેસ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં, ફરિયાદી, નઝીરહુસેન નવાઝમિંયા બુખારીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી- વિશ્વાસઘાતની એક ફરિયાદ બે શખ્સો વિરુદ્ધ નોંધાવી છે. આ બંને આરોપીઓ પિતરાઇ ભાઇઓ છે, જે પૈકી એક નવાનગર બેંક(પંચવટી શાખા)નો કર્મચારી છે.
ફરિયાદીએ પોતાની હાથ પરની કેટલીક મૂડી અને પિતાની LICમાંથી પાકેલી કેટલીક રકમો આરોપીઓને કરન્સી ટ્રેડમાં રોકાણ માટે આપેલી. આ પ્રકારની બે અલગ અલગ રકમો પૈકી અમુક રકમો આરોપીઓએ ફરિયાદીને પરત આપી અને રકમો પૈકી અમુક કટકા પરત ન આપ્યા. આ રીતે ભરોસાથી મેળવેલી અને પરત ન આપેલી કુલ રકમ 31 લાખ છેતરપિંડી-વિશ્વાસઘાતથી ગુપચાવી લીધી.
નવાનગર બેંકના કર્મચારી દિનેશ કિશોરચંદ્ર પાટડીયાએ ફરિયાદીને એમ કહેલું કે, પોતે અને તેનો પિતરાઇ ભાઇ કલ્પેશ કિશોરભાઈ મહેતા આ ફરિયાદીની રકમ કરન્સી ટ્રેડમાં રોકી આપશે. ત્યારબાદ, રૂ. 46 લાખ કટકે કટકે ફરિયાદીએ આરોપીઓને આપેલાં, જે પૈકી 31 લાખ લાંબો સમય વીતવા છતાં આરોપીઓએ પરત ન આપતાં મામલો પોલીસવડા સમક્ષ પહોંચી ગયો હતો. બાદમાં દિનેશ-કલ્પેશ વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ.