Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં અને ખાસ તો પોલીસબેડામાં બહુચર્ચિત વડોદરા SOG ના તત્કાલીન PI ની પત્ની ગુમ થયા મુદ્દે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ખુબ જ ગુંચવાડા ભરેલો કેસ ઉકેલી નાખવામાં આવ્યો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં ખુબ જ મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં સ્વીટીના પતિ અને તત્કાલીન એસઓજી પીઆઇ દ્વારા જ હત્યા કરી લાશને સળગાવી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પીઆઈના પોલીગ્રાફીક અને SDS ટેસ્ટ થઇ ચુક્યા છે. જો કે પીઆઇએ છેલ્લી ઘડીએ ઇન્કાર કરતા તેનો નાર્કોટેસ્ટ થઇ શક્યો નહોતો.
મામલો કઈક એવો હતો કે વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં ફરજ બજાવનાર પીઆઇ એ.એ.દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ છેલ્લા 49 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં પોલીસને દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં હતાં. હાડકાંના નમૂના એકત્ર કરીને એફએસએલ ખાતે મોકલાતા હાડકા યુવાન વય અને મધ્યમ ઉંમરની વ્યક્તિનાં હોવાનું તારણ અપાયા બાદ પોલીસે પીઆઇ દેસાઇ તથા તેમનાં પત્ની સ્વીટી પટેલના 2 વર્ષના બાળકના સેમ્પલ લઇને એફએસએલમાં મોકલી ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો, જો કે પોલીસ આ રિપોર્ટની રાહ જોઇ રહી છે. એવામાં આજે આ મોટો ખુલાસો થઇ ચુક્યો છે,
આ કેસમાં આજે નવો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલની હત્યા PI પતિ અજય દેસાઈએ જ કરી છે. 5 જૂને ગુમ થયા બાદ આજે એટલે કે 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે. કરજણમાં 4 જૂનની રાત્રે પોતાના બંગલોમાં જ સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધે તકરાર થઈ હતી. ત્યાર બાદ રાતના 12.30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુતું હતું ત્યારે જ પતિ અજય દેસાઈએ સ્વીટીનું ઊંઘમાં જ ગળુ દબાવી દીધું હતું. સ્વીટીની હત્યા બાદ લાશને કમ્પાસ ઝીપમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ સ્વીટીને શોધવા આવેલા ભાઈને પીઆઈએ કીધું કે હું સ્વીટીને શોધવા જાઉં છું. બીજા દિવસે સ્વીટીની લાશ જાડેજાના ફાર્મ હાઉસમાં લઈ જવાઇ હતી. જ્યાં પુંઠ્ઠા લાકડા અને ઘાસ નાખીને લાશ સળગાવી દેવામાં આવી હતી. આરોપી PI એ.એ.દેસાઈ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. PI એ.એ.દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.આમ આ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર પતિ જ હત્યારો નીકળતા સનસનાટી મચી જવા પામી છે.