Mysamachar.in:જામનગર
શહેરમાં સફાઇ કામગીરી કરવી, સારી રીતે અને નિયમિત કરવી અને વાજબી ખર્ચ થી કરવી – એ કોઈ પણ કોર્પોરેશન માટે GPMC એકટ મુજબ, પ્રાથમિક ફરજ છે. આ કામગીરી શહેરીજનો પર ઉપકાર નથી. એમાં વળી, રોજેરોજ પ્રચાર શું કરવાનો હોય ?! દરેક દુકાનદાર અને ગૃહિણીઓ પણ આ પ્રકારની સ્વચ્છતા પોતપોતાના પ્રિમાઈસિસમાં અને ઘરોમાં જાળવતાં હોય છે, આ કામગીરી કોઈ પણ રીતે પ્રચારનો મુદ્દો ન લેખાવી શકાય. છતાં, જામનગર કોર્પોરેશન આ પ્રચાર નાટક રોજ કરે છે !
કોર્પોરેશનનો સોલિડ વેસ્ટ વિભાગ કેટલો સોલિડ છે, તે સૌ જાણે જ છે. ઉપરાંત આ વિભાગ વેસ્ટનું મેનેજમેન્ટ કેવી રીતે કરે છે, તે પણ સૌને ખબર છે. છતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ રોજ સવારે કૂકડાની માફક ઘાંટાઓ પાડે છે, અમે કાલે ફલાણા વોર્ડમાં સફાઈ કામગીરી કરી, આટલાં સફાઈ કામદારોને કામે લગાડયા, આટલાં વિસ્તારોમાં ટ્રેક્ટર અને જેસીબી કામે લગાડયા અને ફલાણાં ફલાણાં વોર્ડમાં ડીડીટી પાઉડરનો છંટકાવ કર્યો. અને, સાથે વળી એમ પણ લખે: આ કામગીરી વખતે ફલાણાં વોર્ડમાં ફલાણાં સભ્યો એટલે કે નગરસેવકો સાથે રહ્યા ! આવી વારતાઓની જરૂર શું છે ?!
દરેક વોર્ડ અને વિસ્તારોમાં રોજેરોજ સફાઈ કામદારોને મોકલવાના જ હોય, દરેક વોર્ડમાં એસઆઈ અને એસએસઆઈ હોય જ છે. તેઓએ રોજેરોજ સફાઈ કરવા તથા કરાવવાની હોય જ. અને, લોકો દ્વારા એકત્ર કરવામાં આવતો કચરો શહેરમાંથી એકત્ર કરી વાહનોમાં લઈ જવા માટે તો બે પાર્ટીઓને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે. તેનાં કરોડોનાં બિલો પણ મંજૂર થાય છે. આ સ્થિતિમાં રોજેરોજ સફાઈ કામગીરી અંગે કોર્પોરેશને પ્રચારનું નાટક બંધ કરવું જોઈએ એવું કોર્પોરેશનને સારી રીતે ઓળખતાં નગરજનો કહી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકાને એવો વહેમ છે કે, અમારી પ્રચાર કામગીરીથી અમારી પ્રતિષ્ઠા ચકચકિત થશે ! આ વહેમ જ છે, હકીકતો નગરજનો સારી પેઠે જાણે જ છે, એવું પણ ઘણાં નગરજનો હળવા કટાક્ષ સાથે બોલતાં સંભળાય છે !