Mysamachar.in-જામનગર:
જામનગર-કાલાવડ રોડ પર તપોવન ફાઉન્ડેશનના નેજા હેઠળ એક વૃદ્ધાશ્રમનું સંચાલન થઈ રહ્યું છે, આ ફાઉન્ડેશન અન્ય પ્રેરણાત્મક પ્રવૃતિઓ પણ કરે છે. ફાઉન્ડેશન દ્વારા અગાઉ 2022માં 19 દીકરીઓના સમૂહલગ્ન કરાવવામાં આવ્યા હતાં. આ વખતે ફરી એક વખત, કન્યાદાન લગ્નોત્સવ-ટુ નું આયોજન આ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
તપોવન ફાઉન્ડેશનના ફાઉન્ડર રાજેનભાઈ જાની તથા ટ્રસ્ટીઓ પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, નરેન્દ્રભાઈ ત્રિવેદી તથા પરેશભાઇ જાની દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં રાજેનભાઈ જાનીએ જણાવ્યું છે કે, આગામી 17-11-2024ના દિવસે ફાઉન્ડેશન દ્વારા કન્યાદાન લગ્નોત્સવ-2 નું આયોજન છે. જેમાં સંતો મહંતો નવદંપતિઓને આશિર્વાદ આપશે. આ લગ્નોત્સવમાં મા-બાપ ગુમાવી ચુકેલ અથવા પિતાવિહોણી સર્વસમાજની 11 દીકરીઓના સમૂહલગ્ન કરાવવામાં આવશે.
આ લગ્નોત્સવમાં માતાપિતાના કર્તવ્યભાવે તપોવન ફાઉન્ડેશન દીકરીઓને સમૃધ્ધ કરિયાવર આપશે. હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નની તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવશે. દીકરીઓને મહેંદી અને બ્યૂટી પાર્લરની વ્યવસ્થાઓ અને વરરાજાને તૈયાર કરવાની જવાબદારી, જાનોની ઉતારાની તમામ વ્યવસ્થાઓ, ભોજન વ્યવસ્થાઓ તેમજ વરઘોડાની વ્યવસ્થાઓ તપોવન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.
આ સમૂહલગ્નમાં ભાગ લેવા ઈચ્છુકોએ 16/5 થી 06/06 સુધીમાં તપોવન ફાઉન્ડેશનની જામનગરમાં સરૂ સેક્શન રોડ પર આવેલી, આશાપુરા હોટેલ પાસેની શિવ શક્તિ માર્કેટિંગ (પરેશભાઈ જાની) ખાતેથી સવારે 10 થી 1 અથવા સાંજે 5 થી 8 દરમિયાન ફોર્મ મેળવવાનું રહેશે અને સંપૂર્ણ વિગતો સાથેના ભરેલાં ફોર્મ તા. 16/06 સુધીમાં આ સરનામે પરત આપવાના રહેશે. કાયદા મુજબ લગ્ન માટેની ઉંમર ધરાવનાર કન્યા અને યુવકને સમૂહલગ્ન માટે યોગ્ય ગણવામાં આવશે.