Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
આમ તો પ્રત્યેક ચૂંટણી ભરેલું નારિયેળ જ પૂરવાર થતી હોય છે, પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણી સમગ્ર રાજય ઉપરાંત રાષ્ટ્રની રાજનીતિ પર દૂરગામી અસરો છોડી જનાર હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. કારણ કે, ગુજરાતની આ ચૂંટણી ગુજરાત ઉપરાંત ભારતીય જનતા પાર્ટી અને ભારત દેશનું પણ ભાવિ ઘડવા સક્ષમ પૂરવાર થશે, એ નિશ્ચિત છે. કેમ કે, સમગ્ર દુનિયાની નજર આજે ભારત અને નરેન્દ્ર મોદી પર છે અને ગૃહરાજ્ય ગુજરાતની આ અતિ મહત્વની ચૂંટણીમાં શતરંજના બેતાજ બાદશાહ અને સંસ્થાકીય સંગઠનમાં અજેય સંગઠક પૂરવાર થયેલાં નરેન્દ્રભાઇ શું વ્યૂહરચના ગોઠવી રહ્યા છે તેનાં પર સમગ્ર વિશ્વનાં મીડિયાની નજર સ્વાભાવિક રીતે જ છે,
વિધાનસભાની આ ચૂંટણી ભાજપા માટે જે રીતે અતિ મહત્વની છે એ જ રીતે રાજ્યમાં કોંગ્રેસ પક્ષ માટે અસ્તિત્વનો સવાલ પૂરવાર થવાની શક્યતા છે. કેમ કે, 2022 એ 2017 નથી જ. 2017ની વિધાનસભા ચૂંટણીમાં શાસકપક્ષને ધોળે દિવસે તારા દેખાડનાર કોંગ્રેસ ગુજરાત અને દેશમાં પાછલાં પાંચ વર્ષમાં વધુ ઘસારો પામી છે. આ ઉપરાંત આ વખતે રાજ્યમાં સીધી લડાઈની જગ્યાએ ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે, આમ આદમી પાર્ટી પણ છેલ્લાં બે-ત્રણ વર્ષથી ગુજરાતમાં જબરી મહેનત કરી રહી છે અને તાજેતરમાં આ પાર્ટી સંગઠન અને વિરોધનાં ક્ષેત્રમાં વધુ આક્રમક રીતે આગળ વધી રહી છે. સમગ્ર ગુજરાતની આ સારી માઠી અસરો જામનગર અને દ્વારકા જિલ્લામાં એટલે કે, હાલારમાં પણ ઘણી નવાજૂની સર્જી શકે છે, જેને કારણે છેલ્લાં એકાદ વર્ષથી સમગ્ર હાલાર વિધાનસભા ચૂંટણી સંદર્ભે સારૂં એવું ચકરાવે ચડયાનું જાણકારો અનુમાની રહ્યા છે !
હાલારની વાત કરીએ તો, બંને જિલ્લાની સાત બેઠકો પૈકી પાંચ-છ બેઠકો પર અમારો વિજય નિશ્ચિત છે એવું એક પણ પક્ષ કહી શકે એમ નથી ! વડાપ્રધાન અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ રાજયની તમામ 182 બેઠકો કબ્જે કરવાની વ્યૂહરચના સાથે આગળ વધી રહ્યા છે એ ખરૂં પરંતુ રાજકારણ અને લોકમાનસ-સાવ સરળ બાબત નથી હોતી, એ હકીકત તેઓ પણ જાણે છે. બીજી બાજુ, રાજ્યમાં કોંગ્રેસ બેકફૂટ પર છે અને આમ આદમી પાર્ટી સરકાર બનાવવાની ખ્વાહિશ ખરી પૂરવાર કરવા રાતદિન એક કરે છે પરંતુ અંદરખાને આ પાર્ટી સક્ષમ વિપક્ષ પૂરવાર થશું – એવાં ગણિત સાથે આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસને સાઈડલાઈન કરી મૂકવા બધું જ કરી છૂટશે, એ નિશ્ચિત છે. હાલારમાં પણ આમ આદમી પાર્ટી પોતાની પ્રથમ વિધાનસભા ચૂંટણી પૂરી તાકાતથી લડવા આયોજન ગોઠવી રહી છે. તેથી ત્રિપાંખિયો જંગ નિશ્ચિત હોય, સમગ્ર હાલારની રાજકીય સ્થિતિ હાલ પ્રવાહી છે અને ચૂંટણી ટિકીટોના બધાં જ પક્ષનાં દાવેદારો ચોકઠાં ગોઠવવામાં વ્યસ્ત છે. જો કે, હાલ બધાં જ દાવેદારો સારાં એવાં ચકરાવે ચડયા હોવાનું ચિત્ર ઉપસવા પામી રહ્યું છે.
-76-કાલાવડ
હાલારની બેઠકવાઈઝ વાત કરીએ તો, જામનગર જિલ્લાની 76-કાલાવડ વિધાનસભા બેઠક પર ભાજપા માટે શક્તિશાળી ઉમેદવાર શોધવો આસાન ન હોવાનું મનાય રહ્યું છે, આ સ્થિતિમાં પેરાશૂટ ઉમેદવારની શક્યતા નકારી શકાય નહીં. કોંગ્રેસ આ બેઠક પર ઉમેદવારને રિપિટ કરવા સિવાય નવું કશું કરી શકવાની સ્થિતિમાં ન હોવાનું કહેવાય છે. આમ આદમી પાર્ટી અહીં ભાજપા-કોંગ્રેસને ફાઈટ આપવા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર એક દાવેદારને તક આપશે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, જો કે, કાલાવડ બેઠક પર દાવેદારોનો દુકાળ એક પણ પક્ષમાં નથી !
-77 જામનગર ગ્રામ્ય
જામનગર જિલ્લાની સૌથી મહત્વની બેઠક 77-જામનગર(ગ્રામ્ય) છે કેમ કે, આ બેઠકનાં ધારાસભ્ય રાજ્યનાં કૃષિમંત્રી છે. તેઓની સિનિયોરિટી અને વિચક્ષણતાને ધ્યાનમાં લઈ પક્ષ કદાચ આ વખતે તેઓની સંગઠનમાં સેવા લેવાનું વિચારે તો, આ બેઠક માટે જિલ્લા પંચાયત પ્રમુખ અને જીલ્લા ભાજપ પ્રમુખનું નામ આગળ દોડી શકે, આમ પણ તેઓને જિલ્લા પંચાયતમાં ગોઠતું ન હોવાનાં અહેવાલો છે. જો કે, આ બેઠક માટે ભાજપામાં દાવેદારોની યાદી લાંબી છે, એ સ્થિતિમાં મુખ્ય દાવેદાર જિલ્લા પંચાયત પ્રમુખને લોટરી લાગે છે કે કેમ ? તે પ્રશ્નનો જવાબ શાસકપક્ષ જ આપી શકે કેમ કે, મોદી-શાહની જોડી, છેલ્લી ઘડીએ ચૂંટણી આશ્ચર્યો સર્જવા માટે જાણીતાં છે ! તેઓ વર્તમાન કેબિનેટ મંત્રીને રિપીટ પણ કરી શકે ! કોંગ્રેસ તો આ બેઠક પર ગત્ પેટાચૂંટણી વખતે પણ સ્થાનિક ઉમેદવાર શોધી શકી ન હતી, અને આ વખતે તો આમ આદમી પાર્ટી પણ આ બેઠક પર નજર રાખી બેઠી છે ! જો કે આ વિસ્તારના સુત્રો કહે છે કે આ બેઠક પર એક પૂર્વ ધારાસભ્ય પણ લડી લેવાના મુડમાં છે અને તેના માટે તેવોએ પોતાના છેડા દિલ્હી સુધી લંબાવી દીધા છે.
-78 જામનગર ઉત્તર
જામનગરની શહેરી સીટો પૈકીની સંવેદનશીલ બેઠક 78-જામનગર(ઉતર) વિધાનસભા માનવામાં આવે છે. કેમ કે, અહીં કોંગ્રેસમાંથી ભાજપામાં ગયેલાં અડીખમ નેતા ધારાસભ્ય છે. તેઓ પૂર્વ મંત્રી પણ છે અને શહેર સંગઠન પર પણ તેઓ ફૌલાદી પક્કડ ધરાવે છે. આ બેઠક પર તેવોને યથાવત રાખવામાં આવે તો ભાજપાનાં અન્ય નેતાઓ તેમને સમર્થન કરી શકે છે, જો કે આખરી પસંદગી તો દિલ્હીથી જ થશે અને એ પસંદગી સૌ માટે નવી પણ પૂરવાર થઈ શકે ! આ બેઠક પર ગત્ ચૂંટણીમાં કોંગ્રેસે પોતાનાં જિલ્લા પ્રમુખને વેડફી નાંખ્યા હતાં અને આ વખતે આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમ આ બેઠક પર પક્ષનાં શહેર પ્રમુખનું નામ જાહેર કરી દીધું હોય, કોંગ્રેસ માટે આ બેઠક કોયડો પૂરવાર થઈ શકે ! આમ આદમી પાર્ટી અહીં કેટલું જોર કરી શકે છે ? તેનાં પર મોટો મદાર છે. સ્વાભાવિક રીતે જ, આ બેઠક પરનો ત્રિપાંખિયો જંગ ખૂબ રસપ્રદ રહેશે કેમ કે, કોંગ્રેસ તરફથી લડવા અત્યારથી એક મહિલા અગ્રણી ભારે ઉત્સાહ દેખાડી રહ્યા છે પરંતુ આ બેઠક માત્ર નાણાંના જોરે કોઈ અંકે ન કરી શકે એવી સ્થિતિ જોવા મળી રહી છે. અને, 2017-2022 વચ્ચે રંગમતી-નાગમતી નદીમાં ઘણાં પાણી વહી ચૂક્યા છે, શાસનવિરોધી મતો સર્જવામાં મોંઘવારી તથા બેરોજગારી જેવાં પરિબળો ઉમેરાયાં હોય પાછલાં વર્ષોમાં આ વિસ્તાર ચૂંટણી અને મતદાનની દ્રષ્ટિએ વધુ સંવેદનશીલ બની ચૂકયો છે.
-79-જામનગર દક્ષીણ
જામનગર શહેરની મહત્વની બેઠક 79-જામનગર(દક્ષિણ) વિધાનસભા છે. આ બેઠક પર આ વખતે શાસકપક્ષમાં શક્તિશાળી દાવેદારોની પણ કોઈ કમી નથી અને પોતાને ટિકીટ ન મળે તો, પોતાનાં કહ્યાગરાને લડાવી લેવા પણ પેંતરાઓ ગોઠવાઈ રહ્યાની સ્થિતિ જોવા મળે છે. આ બેઠક પર શાસકપક્ષે જરૂર મનોમંથન કરવું પડશે કેમ કે, જનપ્રતિનિધિ પાછલાં વર્ષોમાં મતદારોને ક્યારેય ઉપલબ્ધ ન રહ્યાનો વસવસો આ વિધાનસભા મતવિસ્તારમાં ગાઢ રીતે ગોરંભાઈ રહ્યો છે.! આ બેઠક પર એક શક્તિશાળી દાવેદાર તો ટિકીટ મળવા અંગે એકદમ સ્યોર છે કેમ કે, તેઓ પાસે મજબૂત ભૂતકાળ છે અને તેઓ તમામ રીતે સક્ષમ હોવાથી શાસકપક્ષ આ બેઠક પર પુનરાવર્તનને બદલે પરિવર્તન નોંધાવશે તો કોઈને પણ આશ્ચર્ય નહીં થાય. કમનસીબે, આ મતવિસ્તારમાં જ્ઞાતિવાદ પણ મહત્વનું ફેકટર લેખાય છે ! આ સ્થિતિમાં આમ આદમી પાર્ટી ઉમેદવારની પસંદગીમાં રોન પણ કાઢી શકે ! અને, શહેર કોંગ્રેસ માટે તો આ વખતે પણ આ બેઠક પર કોને મેદાનમાં ઉતારવા ? એ મહાપ્રશ્ન બની શકે છે! એકંદરે, આ બેઠકની રસાકસીનો અંતિમ આધાર ઉમેદવારોની પસંદગી રહેશે એવું સમજાઈ રહ્યું છે.
-80-જામજોધપુર
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોની સૌથી મહત્વની બેઠક 80-જામજોધપુર વિધાનસભા બેઠક છે. કારણ કે, શાસકપક્ષ માટે આ બેઠક પ્રતિષ્ઠાનો મુદ્દો લેખાય છે. વિપક્ષ પાસેથી આ બેઠક આંચકી લેવા શાસકપક્ષ આ વખતે પૂર્વ મંત્રી અથવા તેમની પસંદગીનાં વ્યક્તિને ટિકીટ આપે એવું બની શકે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ખુદ મુખ્યમંત્રી એક વખત આ પંથકની મુલાકાત, ધાર્મિક ઉત્સવના નિમિત્તે, ખાસ કેસમાં લઈ ચૂક્યા છે. તેઓએ અગાઉથી જ આ બેઠકનું હોમવર્ક કરી લીધું છે. બીજી બાજુ કોંગ્રેસ આ બેઠક વધુ એક વખત કબ્જે કરવા વ્યૂહરચના ગોઠવી ચૂકી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ પણ છે કે, વર્તમાન ધારાસભ્ય કેસરિયા કરશે કે કેમ ?! (થોડા સમય પૂર્વે માય સમાચાર સાથેની વાતચીતમાં તેવોએ આ વાતને નકારી હતી) પણ તેઓ વ્યક્તિગત રીતે ધારાસભ્ય તરીકે નોંધપાત્ર પ્રતિષ્ઠા ધરાવતા હોય, કોંગ્રેસ આ બેઠક માટે હાલ આશ્વસ્ત છે. પરંતુ ગાંધીનગર અને દિલ્હીથી છેલ્લી ઘડીએ શું ગેઈમ થાય છે ? તેનાં પર સઘળો આધાર લેખાવી શકાય. કેમ કે, કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અત્રે મજબૂત સ્થિતિમાં છે, પુષ્કળ લોકચાહના ધરાવે છે. આ બેઠક પર કડવા પટેલનો હોલ્ટ પણ સૌ જાણે છે. અને,2017 પછી ગુજરાત ભાજપાએ પાછલાં વર્ષોમાં પટેલ સમાજને વધુ મહત્વ આપવાનું પુનઃ શરૂ કર્યું છે, એ પણ નોંધનીય છે. આ બેઠક પર પણ દાવેદારો ઘણાં છે, ભાગ્યવાન કોણ સાબિત થાય છે ? એ તો સમય જ કહેશે.
-81-ખંભાલીયા
દ્વારકા જિલ્લાની બે પૈકી વધુ મહત્વની બેઠક 81-ખંભાળીયા વિધાનસભા છે. જે હાલમાં કોંગ્રેસના કબજામાં છે અને 2022 માં પણ આ બેઠક કોંગ્રેસ પાસે જ રહેશે એમ માનવામાં આવે છે. પરંતુ આ વખતે નવી વાત એ છે કે, આમ આદમી પાર્ટી આ પ્રતિષ્ઠિત બેઠક કબ્જે કરવા પોતાના પ્રદેશ નેતાને અહીં મેદાનમાં ઉતારી શકે છે, અને તેઓ આ વિસ્તારનાં વતની પણ છે. ભાજપામાં આ બેઠક માટે દાવેદારો ઘણાં છે. ભાજપા કોઈ મોટો દાવ નહીં ખેલે તો, કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકવી અશક્ય છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક જિતવા અથવા મોટી ફાઇટ આપવા આકાશપાતાળ એક કરવા પડશે, એ પણ દીવા જેવું સ્પષ્ટ લેખાય છે.
-82-દ્વારકા
દ્વારકા જિલ્લાની બીજી બેઠક 82-કલ્યાણપુર-દવારકા વિધાનસભા છે. યાત્રાધામ દ્વારકાની આ બેઠક ખૂબ જ સંવેદનશીલ છે. કોંગ્રેસ દ્વારા દર વખતે સારી એવી મહેનત કરવામાં આવે છે પરંતુ સફળતા તેમનાથી દૂર રહી જાય છે. ભાજપા આ વખતે આ બેઠક પર યુવાન ચહેરો લડાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. કોંગ્રેસ આ બેઠક લડયા વિના અત્યારથી જ ગુમાવી ચૂકી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ! આમ આદમી પાર્ટી આ બેઠક પર બહુ જોર કરી શકે તેવું દેખાતું નથી પરંતુ પાર્ટીનાં સૌથી ચતુર અને દેશભરમાં લોકપ્રિય મુખ્યમંત્રી, પાર્ટીનાં સુપ્રિમો આગામી શુક્રવારે કાળિયા ઠાકોરના દર્શને આવી રહ્યા છે, જગતનાં નાથ પાસે તેઓ શી ખ્વાહિશ રજૂ કરવાનાં છે ?! તે તો દ્વારકાનો ધણી જ જાણે ! વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકાનું ગુજરાત-સૌરાષ્ટ્રના રાજકારણમાં અનેરૂં અને વિશિષ્ટ મહત્વ લેખાય છે.