Mysamachar.in-જામનગર
રાજ્ય સરકાર દ્વારા બજેટ દરમિયાન જામનગર જિલ્લા માટે અમુક જુજ સુવિધાની જાહેરાત કરવામાં આવી છે જેમાં જામનગર જિલ્લામાં એક માત્ર ધ્રોલ શહેરની સી.એચ.સી. કક્ષાની હોસ્પિટલને જિલ્લાકક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવાનો નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ધ્રોલ તાલુકા સહિત જામનગર ગ્રામ્ય, પડધરી, ટંકારા, જોડિયાની જનતાને હોસ્પિટલની સારી સુવિધા મળી રહેશે તેવી આશા તો બંધાઇ છે પરંતુ આ હોસ્પીટલ ક્યારે બનશે તે સવાલ છે.?
રાજ્ય સરકારના નાણાંમંત્રી નીતિન પટેલએ રજૂ કરેલ બજેટમાં અનેક જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ધ્રોલ, જસદણ, માણાવદર, હાલોલ, સોનગઢ અને ચીખલી સી.એચ.સી.ને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવા 21 કરોડની જોગવાઇની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લામાં એક માત્ર ધ્રોલની સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરવાની જાહેરાત થઇ છે
ધ્રોલની હોસ્પિટલ હાલ 30 બેડની હોવાથી 3 તબીબોનો સમાવેશ થાય છે. ત્યારે જો સરકારની જાહેરાત પ્રમાણે જિલ્લા કક્ષાના સ્તર મુજબ વિકસાવવામાં આવે તો 150 બેડની હોસ્પિટલની સુવિધા ઉભી થાય અને તેના માટે અલગથી બિલ્ડીંગ બનાવીને નિષ્ણાંત તબીબો સાથે જોગવાઇ મુજબ 15 તબીબોની સેવા મળી શકે છે, પરંતુ જોડીયાના ડીસેલીનેશન પ્લાન્ટ જેવુ આ હોસ્પીટલ યોજનાનુ તો નહી થાય ને? તેવી શંકા પ્રેરક સવાલો સાથે હોસ્પીટલ થશે ક્યારે એ સવાલ છે.