Mysamachar.in-જામનગર:
ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરમંચ પરથી રાજ્યના મહેસૂલ અને ગૃહ વિભાગને ભ્રષ્ટાચારના કારણે બદનામ હોવાની વાત કરી હતી,એવામાં જામનગરમાં પણ સરકારી તિજોરીને મોટું નુકશાન પહોંચાડીને રેતી માફિયાઑ દ્વારા સ્થાનિક તંત્ર સાથે કથિત મિલીભગત કરીને સરકારને વર્ષે કરોડો રુપિયાનું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે,
ત્યારે જ રેતીની ખનીજચોરીના મામલે દિવસેને દિવસે નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે,સરકારના જ ભ્રષ્ટ તંત્ર દ્વારા આ રેકેટમાં કથિત ભાગ બટાઈના પાપે ખનીજ માફિયા તત્વો હજારો ટન રેતીની ખનીજ ચોરીનો ખેલ ખુલ્લેઆમ ખેલી રહ્યા છે,
જે પ્રમાણે રેતી ખનીજ ચોરીની સ્ફોટક વિગતો મળી રહી છે તે મુજબ જોડીયા તાલુકામાં ઉંડ નદીમાં બાદનપર ગામ નજીક પુલના બંને બાજુના વિસ્તારમાં,આણંદા,ભાદરા સ્વામીના ઘાટ આગળ, મોરાણા આજી નદીમાં તેમજ તારાણા આજી ડેમ વિસ્તારમાંથી રાત્રીના સમયે ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી સુવ્યવસ્થિત રીતે અંદાજે ૧૦૦ ટ્રેક્ટરથી વધુ વાહનો મારફત નદીમાંથી રેતી ઉપાડીને નદી બહાર સટ્ટા કરવામાં આવે છે,
ત્યારબાદ સટ્ટામાંથી રોજના ૧૦૦ ડમ્પરો મારફત ખુલ્લેઆમ રાજકોટ-જામનગર સહિતના શહેરોમાં રેતી સપ્લાય કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે,જેનાથી તંત્ર સારી રીતે વાકેફ છે,આમ,ધ્રોલ-જોડીયા તાલુકામાંથી અત્યાર સુધીમાં ખનીજ માફિયા તત્વોએ કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરી હોવાનો જાણકારોએ ધડાકો કર્યો છે,
છેલ્લા ઘણા સમયથી આ રેકેટ ખુલ્લેઆમ ચાલવા છતા જામનગર ખાણ-ખનીજ વિભાગનું તંત્ર શા માટે કાર્યવાહી કરતું નથી તે સમજાય તેવી વાત છે.ફરિયાદો બાદ કહેવા ખાતર દરોડા પાડીને કાર્યવાહી કરવા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે,ત્યારે રેતીચોરીના આ મસમોટા રેકેટના કારણે સરકારને રોજ લાખોની નુકશાની અને વર્ષે કરોડોની નુકશાની થઈ રહી છે,
ત્યારે જામનગર જિલ્લાના બાહોશ અધિકારીઑ દ્વારા જોડીયાની ધરતીને ખેદાન-મેદાન કરી કિંમતી ખનીજ ચોરી મામલે કડક વલણ દાખવીને નજરે જોઈ શકતા આ રેકેટ સામે લાલ આંખ કરીને દાખલો બેસાડે તેવું પ્રજા ઇચ્છી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.