Mysamachar.in-ગાંધીનગર;
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં મેડિકલ સ્ટોર વ્યવસાયમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલતી રહેતી હોય છે પણ સંબંધિત તંત્રના ભ્રષ્ટાચારને કારણે વિગતો બહાર આવતી હોતી નથી. તાજેતરમાં મેડિકલ સ્ટોર સંચાલકો માટે એક નિયમના ભંગ બદલ સજા કઠોર બનાવતો નિર્ણય જાહેર થયો છે.
એવો નિયમ છે કે, કોઈ પણ મેડિકલ સ્ટોર લાયસન્સ ધરાવનાર ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં ચલાવી શકાય નહીં. પરંતુ આ માટેની સજા અત્યાર સુધી સાવ હળવી હતી તેથી મેડિકલ સ્ટોર સંચાલકો અને ફાર્માસિસ્ટમાં કાયદાનો કોઈ ડર ન હતો. હવે દંડ-સજા કડક બનાવવામાં આવી છે.
કેન્દ્ર સરકારે વર્ષ 2023માં જનવિશ્વાસ બિલ(સુધારાની જોગવાઈ) અમલમાં મૂકયુ છે. ગુજરાતની ફાર્મસી કાઉન્સિલની જાહેરાત અનુસાર, આ જોગવાઈ ગુજરાતમાં ગત્ 9 ડિસેમ્બરથી અમલી બની છે.
અત્યાર સુધી એવો નિયમ હતો કે, કોઈ મેડિકલ સ્ટોર લાયસન્સ ધરાવનાર ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં ચાલતો પકડાય તો આ સ્ટોરને માત્ર રૂ. 1,000નો દંડ અને 2 દિવસ મેડિકલ સ્ટોર બંધ રાખવાની સજા હતી. હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દંડની રકમ વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી છે અને સાથે 3 મહિનાની જેલસજાની પણ જોગવાઈ કરવામાં આવી.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં અંદાજે 32,000 મેડિકલ સ્ટોર છે જે પૈકી અડધાં કરતાં વધારે એટલે કે આશરે 18,000 જેટલાં સ્ટોર લાયસન્સ ધરાવનાર ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં ધમધમે છે. આમ છતાં સંબંધિત અધિકારીઓ આ પ્રકારના સ્ટોર વિરુદ્ધ કાર્યવાહીઓ કરતાં નથી. હવે જોગવાઈ આકરી થતાં, ભ્રષ્ટાચાર વધવાની શકયતાઓ વધી ગઈ અને તે દરમ્યાન એકાદ બે મેડિકલ સ્ટોરના આ નવી વ્યવસ્થાઓ મુજબ કેસ દાખલ થઈ જાય- એમ બની શકે.


