Mysamachar.in-જામનગર:
જર, જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરું..આ ઉક્તિ અને કેટલાય લગ્નેતર સબંધો કેટલાય પરિવારોને વેર વિખેર કરી નાખે છે જામનગર નજીક પોતાના પતિને પડતો મૂકી અને પ્રેમીના પ્રેમમાં પાગલ થઇ ચૂકેલ પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાઓ જગાવી છે અને પત્નીના વિશ્વાસ પર આ કિસ્સાએ વધુ એક વખત સવાલો ઉઠાવી દીધા છે, ઘટના એવી છે છે કે…
ગત 16 ઓગસ્ટના રોજ આશિર્વાદ ક્લબ રીસોર્ટ વાળા રોડ પર, એડવેન્ટ સ્કુલની સામે, લહેર તળાવના કાઠે, નાઘેડીગામ પાસે, ઝુપડામાં ફરીયાદી પુનાભાઈ ધાનસુરભાઈ સુમાતના મોટા ભાઇ કિશોર ઉર્ફે કીહલો ધાનસુરભાઈ સુમાત ઉ.વ. આશરે ૩૬ વાળાને કપાળ તથા માથાના ભાગે ઇજાઓ કરી મોત નિપજાવી સળગાવી દઈ પુરાવાનો નાશ કરેલ હોય જે બાબતે પંચ-બી પોલીસ સ્ટેશન હત્યા અને પુરાવાઓનો નાશ કરવા સબબે અજાણ્યા વ્યકતિ કે વ્યક્તિઓ વિરૂધ્ધ ગુન્હો નોંધાયેલ જે ગુન્હાની તપાસ ગ્રામ્ય DYSP આર.બી.દેવધાના માર્ગદર્શનમાં પંચ બી પોલીસ મથકના પી.એસ.આઈ. સી.એમ.કાંટેલીયા કરતા હતા.
દરમિયાન જામનગર એલસીબી પી.આઈ.વી.એમ.લગારીયા અને તેની ટીમ પણ શંકાસ્પદ મોબાઇલ નંબર મળતા તે મોબાઇલ નંબર બાબતે એલ.સી.બી. શાખાની ટેકનીકલ સર્વેલન્સની મદદથી એસ.ડી.આર. આધારે સદર ગુન્હાનો ભેદ ઉકેલી મરણ જનારના પત્નિ જીવણીબેન કિશોર ધાનસુરભાઇ સુમાત તથા તેના પ્રેમી સગરાજ દેવકરણભાઇ સુમાતને ઝડપી પાડ્યા છે,
ઝડપાયેલ બન્નેની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મરણ જનાર કિશોરના પત્નિને આરોપી સગરાજ સાથે પ્રેમસબંધ હોય અને બન્ને મોબાઇલ ફોનમાં વાત કરતા હોય જે બાબતે મરણજનારને જાણ થઇ જતા બન્ને વચ્ચે પ્રેમ સબંધમા આડીખીલીરૂપ હોય જેથી પત્ની અને તેના પ્રેમી એમ બન્ને આરોપીઓએ મરણજનારને મારી નાખવાનુ કાવતરૂ રચી મરણજનાર કિશોરને કપાળના તથા માથાના ભાગે લાકડી વડે માર મારી મોત નિપજાવી મરણ જનારની લાશ ઉપર પેટ્રોલ છાંટી લાશ સળગાવી દીધાની કબુલાત આપી છે.