Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયા શહેરમાં જાણે પોપાબાઈનું રાજ હોય તેવો ભાસ નગરજનો કરી રહ્યા છે શહેરમાં છેલ્લા ઘણા સમયથી એક પણ વિકાસ કાર્ય ઉડીને આંખે વળગે તેવું નથી આ પરિસ્થિતિમાં કરોડો રૂપીયાના ખર્ચે થતા વિવિધ પ્રકારના કામો લોટ-પાણીને લાકડા જેવા બની રહેતા તેની સામે પણ ભ્રષ્ટાચારની આશંકાઓ સેવાઈ રહી છે, ખંભાળીયા શહેરના સૌથી મોટા ભ્રષ્ટાચાર રૂપ ભુગર્ભ ગટર યોજના હજુ અપૂર્ણ અને તકલાદી બની રહ્યાના વિપક્ષના ગંભીર આક્ષેપો વચ્ચે બે વર્ષ સુધી નગરપાલીકાએ આ યોજના પોતાના હસ્તક સંભાળી નહતી આ યોજનામાં મોટા પાયે કથિત વહીવટના ગંભીર આક્ષેપો વચ્ચે નગરપાલીકાની અગાઉની મીટીંગમાં આ યોજના સંભાળી લેવા માટેના પ્રયાસો થયા હતા
આ સાથે ખંભાળીયાના કેટલાક રાજમાર્ગોને ડામરથી મઢવાના કરોડો રૂપીયાના કામમાં પણ કંઈ ભલીવાર ન હોય તેમ ટુંકા સમયગાળામાં ડામર ઉખડી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ હતી આ ઉપરાંત લાખો રૂપીયાના ખર્ચે બનેલા સી.સી. રોડ, પેવર બ્લોક પણ હાલ ઠેક-ઠેકાણેથી ઉખડી ગયા છે આના પગલે શહેરના વાહન ચાલકો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે,આ પરિસ્થિતિમાં નગરપાલીકા તંત્ર કડક અને દંડનીય પગલા લેવાના બદલે કોન્ટ્રાકટરોને નોટીસ મારી, કામગીરી દેખાડીને લોકોને ઉંધા ચશ્મા પહેરાવવામાં આવતા હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આટલું જ નહિ કોન્ટ્રાકટરોની મીલીભગતના આક્ષેપો પણ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે.
છેલ્લા સમયમાં શહેરમાં કરોડો રૂપીયાના ખર્ચે ડામર રોડ, સીસી રોડના કામો થયા છે. ખંભાળીયા શહેર જિલ્લાનું મુખ્ય મથક હોય, અહીં જિલ્લાની મુખ્ય કચેરીઓ તથા ઉચ્ચ અધિકારીઓના આવાસ છે. પરંતુ આ શહેર કોન્ટ્રાકટરો તથા સંબંધીત તંત્રના પાપે ‘ખાડાનગર’ બની ગયુ હોય તેવી સ્થિતિ જોવા મળે છે. જેથી આ કરોડોની ગ્રાંટ જાણે વ્યર્થ જતી હોય તેમ નવા રસ્તા રીપેર કરવા પડે છે
શહેરમાં કોન્ટ્રાકટરની હેઠળ પેટા કોન્ટ્રાકટમાં અપાતા કામોમાં યોગ્ય ગુણવતા સામે પ્રશ્ર્નાર્થ ઉઠ્યા છે
આ તમામ બાબતોના મુળમાં નગરપાલીકાની ઢીલી અને શંકાસ્પદ નિતી-રીતીને માનવામાં આવે છે ત્યારે નગરપાલીકાના એક સીનીયર સદસ્યએ સીસી રોડના ચાલી રહેલા કામના સ્થળે શંકા જતા ઉપસ્થિત કોન્ટ્રાકટરને પુછપરછ કરતા આ કોન્ટ્રાકટરે જાણે બધી જ કામગીરી સંપૂર્ણ પણે નિયમાનુસાર અને ટકોરાબંધ કરતા હોય, તેવા સ્વરમાં અગાઉના રોડ છ મહિનાથી ઉખડયા નથી તેવું જણાવી પોતાના ગૌરવની વાતો કરી હતી. ત્યારે શું સી.સી. રોડ છ મહિનામાં તૂટયો નથી એ મોટી સિદ્ધિ ગણાય? તેવો કટાક્ષ પણ સાંભળવા મળ્યો હતો