Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના ગોરધનપર વિસ્તારમાં બનાવવામાં આવી રહેલું WHO સાથે જોડાયેલું સેન્ટર અપગ્રેડ કરવાની જાહેરાત થઈ છે, જેમાં તાજેતરમાં ખુલ્લી કરવામાં આવેલી જમીનનો ઉપયોગ થશે, એમ સૂત્ર જણાવે છે. કેન્દ્રીય બજેટમાં ગત્ રવિવારે જાહેરાત થઈ કે, ગોરધનપર નજીક આકાર લઈ રહેલું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC) અપગ્રેડ કરવામાં આવશે. આ સંબંધે જામનગર ITRA ના વડા પ્રો. ડો. તનુજા નેસરી જણાવે છે કે, પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓમાં પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને વૈશ્વિક જાગૃતિને મજબૂત કરવા માટે જામનગર WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું અપગ્રેડેશન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં સપ્તાહ અગાઉ જામનગર વહીવટીતંત્ર દ્વારા ગોરધનપર નજીક એક વિશાળ સરકારી જમીન પર, વર્ષોથી ખડકાયેલા દબાણો હટાવી આશરે 100 વીઘા જેટલી કરોડોની કિમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. જે સંબંધે કલેક્ટર કચેરી સાથે સંકળાયેલા સૂત્ર જણાવે છે કે, હાલમાં અહીં જે જમીન ખાલી કરાવવામાં આવી છે તે જમીનનો ઉપયોગ આ WHO GTMC ના વિસ્તરણ અને અપગ્રેડેશન માટે કરવામાં આવશે.
ગત્ રવિવારે બજેટમાં કેન્દ્રીય નાણાંમંત્રીએ એ પણ જાહેરાત કરી કે, ક્વોલિટી સભર શિક્ષણ, ક્લિનિકલ કેર અને સંશોધનનો વિસ્તાર કરવા માટે 3 નવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયૂટ ઓફ આયુર્વેદની સ્થાપના કરવામાં આવશે.
-ગત 3 ડીસેમ્બર 2025 ના થઇ હતી આ કાર્યવાહી….
જામનગર ખંભાળિયા હાઈવે આ હાઈવે પર ગોરધનપર ગામ આવેલ છે આ ગામના સરકારી ખરાબામાં વર્ષોથી કેટલાક દબાણકારો દ્વારા અંદાજે ૧૦૦ વીઘા જેટલી જમીનમાં ઇંટોના ભાઠા, હોટેલ, રહેણાક અને અન્ય કાચા અને પાકા દબાણો કરવામાં આવ્યા હતા જે જગ્યા ખાલી કરાવવા જીલ્લા વહીવટી તંત્રે નિયમોનુસાર પ્રક્રિયા હાથ ધરીને આજે હાઈવે ટચ કરોડો રૂપિયાની કીમત ધરાવતી આ લગડી જેવી અંદાજે ૧૦૦ વીઘા જેટલી સરકારી ખરાબમાં થયેલ દબાણોને દુર કરવાની કાર્યવાહી જીલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શનમાં ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી






















































