Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગુજરાતમાં એક મોટી ખામી સર્વત્ર જોવા મળે છે, યાત્રાધામો ધરાવતાં નાનામોટાં શહેરોને વિવિધ હેડ હેઠળ દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ સહાયો મળતી હોય છે પરંતુ યાત્રાધામ ધરાવતાં શહેરના સ્થાનિક તંત્રની અણઆવડતને કારણે આવા શહેરોમાં સુવિધાઓને નામે મીંડુ હોય છે અને સમસ્યાઓની ભરમાર જોવા મળતી હોય છે- વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા શહેર પણ આવું અવિકસિત અને સુવિધાઓવિહોણું તથા સમસ્યાઓથી ત્રસ્ત શહેર છે.
યાત્રાધામ દ્વારકા શહેરને જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ મળે છે. મ્યુ. ફાઇનાન્સ બોર્ડની ગ્રાન્ટ મળે છે. રાજ્ય તથા કેન્દ્ર સરકારમાંથી વિવિધ યોજનાઓ સંબંધિત ગ્રાન્ટ મળતી હોય છે. સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટ મળતી હોય છે. આ ઉપરાંત રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડની પણ ગ્રાન્ટ મળતી હોય છે. આ સાથે જ, શહેરમાં અસંખ્ય મોટીનાની મિલકતો આવેલી હોય, હાઉસ ટેક્સ સહિતની ધૂમ આવક થતી હોય છે. પરંતુ સવાલ એ છે કે, દ્વારકા પાલિકામાં ઠલવાતો આટલો બધો રૂપિયો જાય છે ક્યાં ?!
આ પ્રકારનો સવાલ લોકોમાં એટલાં માટે ઉઠી રહ્યો છે કેમ કે, શહેરમાં કયાંય પણ પાલિકા હસ્તક કોઈ મોટા વિકાસકામો થતાં નથી. સ્વચ્છતા, રસ્તાઓ, પાણી કે લાઈટ જેવા વિભાગોમાં કોઈ મોટાં ખર્ચ થતાં નથી. રાજ્ય સરકારમાંથી ઓકટ્રોયના બદલામાં મળતી ગ્રાન્ટ પણ આવતી હોય છે. આટઆટલી આવકો અને કામો-સુવિધાઓ પાછળ એકદમ મર્યાદિત ખર્ચ છતાં, દ્વારકા પાલિકામાં ઠલવાતાં આટલાં નાણાં જાય છે કયાં, એ પ્રશ્ન શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ હોવાને કારણે અહીં વર્ષ દરમિયાન લાખો લોકો આવે છે, પરંતુ સ્થાનિક તંત્રની અણઆવડતને કારણે સૌની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચી રહ્યો છે. ખરેખર તો જ્યાં લાખો મુલાકાતીઓ આવતાં હોય, એ શહેરને સ્થાનિક શાસકોએ ટનાટન બનાવવું જોઈએ, એવી લોકલાગણી જોવા મળે છે, તેને બદલે પાલિકા રેંકડી ગલ્લા જેવા નાના ધંધાર્થીઓ પર આર્થિક ભારણ વધારવા જેવા પરચૂરણ નિર્ણયો લેવામાં વ્યસ્ત રહે છે.(symbolic image source:google)