Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાં, સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતીય સંબંધો અને મારામારી, હુમલા, હિંસા અને હત્યા જેવા બનાવોનું વધતું જતું પ્રમાણ, સમાજની બદલતી તાસીર દેખાડે છે અને સમગ્ર વાતાવરણ વધુ ને વધુ ચિંતાપ્રેરક બની રહ્યું હોવાની સાબિતીઓ, સમાજમાં બની રહેલાં વિવિધ પ્રકારના ગુનાઓને કારણે બહાર આવી રહી છે.
મામલો કોલકાતાનો હોય કે કલ્યાણપુરનો, ગુનાઓ ગમે ત્યાં બની શકે છે. સતત બનતાં રહે છે. ગુનાહિત માનસ ધરાવતાં તત્વો પર ન પોલીસની ધાક છે, ગંભીર ગુનાઓના આરોપીઓ આરામથી છૂટકારો મેળવી, સમાજમાં ફરીથી અસામાજિક પ્રવૃતિઓ કરતાં હોય અને એ પણ કોઈના ડર વિના, એવા પણ હજારો ઉદાહરણો જોવા મળી શકે છે. આ બધું કયાં જઈ અટકશે ?
કોઈ સગીરા, યુવતી કે મહિલા પર પિશાચી રીતે દુષ્કૃત્ય થયું હોય અને બાદમાં ક્રૂર રીતે તેણીની હત્યા નિપજાવવામાં આવી હોય, એવો કોલકાતાનો મહિલા ડોક્ટરનો બનાવ નથી પ્રથમ, નથી આખરી. અગાઉ પણ દેશમાં હજારો વખત નિર્ભયા કાંડ સર્જાયા છે. તેના વિરોધમાં મીણબતીઓ પ્રગટાવવામાં આવી છે, રેલીઓ યોજાઈ છે, આવેદનો અપાયા છે, બંધ અને હડતાલો સૌએ જોયા છે. દરેક કિસ્સામાં પીડિતને ન્યાય મળે જ- એવી ગેરેંટી હજુ સુધી જોવા મળેલ નથી. નિર્ભયા કાંડ- કોલકાતા કાંડ, આ સમાજરચનાનો જાણે કે હિસ્સો બની ગયા છે. કેમ કે, સમાજમાં સેકસનો સ્ફોટ અને હિંસાનો નગ્ન નાચ જાણે કે, રોજિંદી બાબતો બની ગઈ છે. આપણો વસતિ વિસ્ફોટ, ગરીબી, બેરોજગારી, શિક્ષણનું ઓછું પ્રમાણ જેવા પરિબળો પણ ગુનાઓની સંખ્યા વધારવા બળતામાં ઘી હોમી રહ્યા છે.
કોલકાતા કાંડને કારણે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન અને હડતાલ જોવા મળી રહ્યા છે, સિનિયર તબીબ જાહેરમાં શસ્ત્ર પ્રદર્શન કરી રહ્યા છે. સ્ટેથોસ્કોપ સાથે હથિયાર ધારણ કરવાની વાતો પણ થઈ રહી છે, પ્રોટેક્શન એક્ટની માંગ થઇ રહી છે, તબીબોની હડતાલથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે, ઘણું ઘણું ચાલી રહ્યું છે- સમાજ સભ્ય હોવાની વાતો હવામાં અદ્રશ્ય થઈ રહી છે. સર્વત્ર અંધાધૂંધી અને હોબાળા મચી રહ્યા છે. સમાજચિંતકો જીવ બાળી રહ્યા છે અને બીજી તરફ સમાજની સભ્યતા વધવાનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. સમગ્ર માહોલ ચિંતાપ્રેરક જણાઈ રહ્યો છે, આ હાલતમાંથી સમાજ ક્યારે અને કેવી રીતે બહાર આવશે ? તે સવાલ સો મણનો છે. અનૈતિક સંબંધો સહિતની અનેક બાબતો સમગ્ર સમાજને કોરી ખાઈ રહી છે, આ સ્થિતિમાં ઉમ્મીદના દીવામાં ઘી પૂરવાની જવાબદારીઓ કોણ અને કેવી રીતે નિભાવી શકે- એ ચિંતાઓ અને ચિંતનનો વિષય છે. કારણ કે, હાલત અતિ ગંભીર બની રહી છે, સતત. અને, ઝડપથી.(symbolic image source:google)