Mysamachar.in:મહેસાણા
હાલનાં સમયમાં પ્રેમલગ્નો એકદમ સામાન્ય બાબત બની ગઈ છે. પુષ્કળ સંખ્યામાં આ પ્રકારના લગ્નો થઈ રહ્યા છે. જે પૈકી કેટલાંક કિસ્સાઓ ચિંતાજનક અને ગંભીર પણ હોય છે. સોશિયલ મીડિયાનાં વ્યાપે આ પ્રકારના કિસ્સાઓમાં બળતામાં ઘી હોમ્યું છે એમ કહીએ તો પણ ચાલે. આ પ્રકારના અસંખ્ય કિસ્સાઓને કારણે વિવિધ સમાજ તથા સરકાર સ્તરે પણ થોડાં થોડાં સમયે ચિંતાઓ વ્યક્ત થતી રહેતી હોય છે. તાજેતરમાં ખુદ મુખ્યમંત્રી પણ આ મુદ્દા પર જાહેરમાં બોલ્યા છે.
તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે પાટીદાર સમાજ દ્વારા એક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજનાં તેજસ્વી છાત્રોનું સન્માન અને ઈનામ વિતરણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો અને પટેલ સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ એસપીજી (સરદાર પટેલ સેવાદળ) લાઈફ ટાઈમ પરિવાર નામની પાટીદાર સંસ્થા દ્વારા આયોજિત થયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મંચ પરથી કહેવાયું હતું કે, દીકરીઓ ભાગીને પ્રેમલગ્ન કરી લ્યે છે તેવાં કિસ્સાઓમાં માબાપની સંમતિ લેવાય તે અંગે કાંઈક થવું જોઈએ. આરોગ્યમંત્રી બાદ મુખ્યમંત્રીએ પણ આ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, છોકરીઓ ભગાડી જવાના અને પ્રેમલગ્નો થવાનાં કિસ્સાઓનો અભ્યાસ કરવામાં આવશે. આ બાબતમાં બંધારણની મર્યાદામાં રહીને શું ઉપાયો પ્રયોજી શકાય તે અંગે વિચારણા કરવામાં આવશે. સ્વાભાવિક રીતે જ, મુખ્યમંત્રીએ સમાજ સ્તરે અને સરકાર સ્તરે આ ગંભીર મુદ્દાને આગળ કર્યો હતો અને ભવિષ્યમાં થનાર ચર્ચાઓને તથા લેવાનારા નિર્ણયોને એક ચોક્કસ દિશા આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણાં બધાં પરિવારોમાં આ પ્રકારની ઘટનાઓ મોટાં પ્રમાણમાં આકાર લઈ રહી છે. જેની પાછળ વિવિધ કારણો રહેલાં હોય છે. ઘણાં બધાં કિસ્સાઓ એવા પણ જોવા મળે છે જેમાં છોકરા-છોકરીના ધર્મો અને ધાર્મિક માન્યતાઓ સાવ અલગ હોય છે. અને ઘણાં કિસ્સાઓમાં આ પ્રકારના લગ્નો બાદ ગંભીર સમસ્યાઓ પણ આકાર લેતી હોય છે. કેટલાંક કિસ્સાઓમાં, ભૂલ કરનાર યુવતીઓની જિંદગી બરબાદ પણ થતી હોય છે. આવા લગ્નો બાદ આપઘાતનાં બનાવો પણ બનતાં હોય છે. આ બધી જ બાબતો વિચારણીય છે. કારણ કે આવી ઘટનાઓ નોંધપાત્ર પ્રમાણમાં બની રહી છે. જેમાં છેતરપિંડીથી થતાં લગ્નોનો પણ સમાવેશ થતો હોય છે.
આ તમામ બાબતો અંગે સામાજિક જાગૃતિ જરૂરી છે. ઉપરાંત ઘણાં સમયથી કાયદાકીય નિયંત્રણો અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. અને સરકાર ખુદ આ મુદ્દે ગંભીરતાથી આગળ વધી રહી હોવાનાં સંકેતો પણ થોડાં થોડાં સમયે ચર્ચામાં આવતાં રહે છે. આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી દ્વારા આ મુદ્દે આપવામાં આવેલું જાહેર નિવેદન આપોઆપ મહત્વનું બની જાય છે.