Mysamachar.in-જામનગર:
જામનગરના કરદાતા નગરજનો દરેક ચૂંટણીઓમાં શાસકપક્ષને ચિક્કાર મત આપે છે, શાસનનો અધિકાર આપે છે, હવે ધારો કે- શાસકપક્ષ મતદાતાઓને રિટર્ન ગિફ્ટ આપે, જામનગરના બજેટનું સ્વરૂપ નક્કી કરવાની તક નગરજનોને આપે- તો શકયતાઓ એ છે કે, જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25 નું બજેટ અગાઉના વર્ષો કરતાં અફલાતૂન બની શકે કારણ કે, તેમાં નગરજનોની અપેક્ષાઓ અને તમન્નાઓનું મિશ્રણ અને પડઘો હોય.
કોઈ પણ શહેરની પ્રાથમિક જરૂરિયાતો શું છે? અને, શહેરના લાંબા ગાળાના સમતોલ અને સર્વસમાવેશી તેમ જ ઝડપી અને અદભૂત વિકાસ માટે શું શું કરવું જોઈએ? આ બધી જ બાબતો તે શહેરના નાગરિકો સારી રીતે જાણતાં હોય છે, તેથી બજેટ બનાવતાં પહેલાં બજેટ વિષે જો નગરજનોને પૂછવામાં આવે તો, શાસકો ઘણાં જ નવા આઈડિયાઝ એકત્ર કરી શકે અને તે વિચારો અનુસાર બજેટને તદ્દન નવું અને શ્રેષ્ઠ સ્વરૂપ આપી શકાય અને કરદાતા નગરજનો પણ ખુશ થઈ જાય, તેઓને એમ ફીલ થાય કે, આ અમારાં સપનાઓનું શહેર છે. લોકોમાં શહેર પ્રત્યેની પોતાપણાંની લાગણીઓ વધારી શકાય.
જામનગર મહાનગરપાલિકાએ આ વખતે આ પ્રયોગ કરવો જોઈએ, એવી લાગણીઓ શહેરીજનોમાં જોવા મળે છે. આ માટે શાસકો નગરજનો પાસેથી અભિપ્રાય અને સૂચનો વેબસાઈટના માધ્યમથી મેળવી શકે. શહેરમાં અસંખ્ય એવા નાગરિકો છે, જેઓ કોર્પોરેશનને સૂચનો મોકલવાની ક્ષમતા અને સજજતા ધરાવે છે. તેઓની વિચારશક્તિનો શાસકોએ ઉપયોગ કરી લેવો જોઈએ, આમ કરવાથી શહેરને ફાયદો થશે, શહેર વધુ સુંદર બની શકે, વધુ આધુનિક બની શકે અને સૌથી મોટી વાત એ છે કે, શહેરને લોકોની પસંદના નવા રૂપરંગ પ્રાપ્ત થઈ શકે. નગર ફરીથી સૌરાષ્ટ્રનું પેરિસ બની શકે અને તેનો બધો જ યશ શાસકોના ખાતાંમાં જમા થાય, અને લોકસભા ચૂંટણીઓ પણ નજીક છે. રાજકોટ મહાનગરપાલિકામાં પણ ભાજપાનું શાસન છે, ત્યાં શાસકોએ આ પ્રયોગ જાહેર કર્યો છે, આ પ્રયોગ જામનગરમાં પણ જાહેર કરવો જોઈએ, શહેરના વિશાળ હિતોની રક્ષા અને હિતોના સંવર્ધન માટે.