Mysamachar.in-જામનગર:
જામનગર વીજતંત્રએ હાલમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ગ્રાહકો પાસેથી બાકી લેણાંની વસુલાત માટે ઝુંબેશ આરંભી છે, જે ગ્રાહકો વીજબિલ ભરી રહ્યા નથી તેમના વીજજોડાણ કાપી નાંખવામાં આવી રહ્યા છે. વીજતંત્રના જણાવ્યા અનુસાર, હાલારના આ બંને જિલ્લાઓમાં ફેબ્રુઆરી-2026ની સ્થિતિએ ગ્રાહકો પાસેથી રૂ. 51.58 કરોડની રકમ બાકી લેણાં તરીકે વસુલવાની બાકી હતી.આ ગ્રાહકોની કુલ સંખ્યા 1,14,080 છે. જે દરમ્યાન વસુલાત માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી.
આ ઝુંબેશ અંતર્ગત તંત્રની 120 ટીમ બે જિલ્લાઓમાં કાર્યરત છે. આ ટીમો જરૂર પડ્યે વીજમીટર તથા સર્વિસ વાયર અને ટ્રાન્સફોર્મર પણ ઉતારી રહી છે. ઝુંબેશ કડક રીતે ચાલી રહી છે. તંત્રએ એવી પણ ચેતવણી આપી છે કે, બાકી નાણાં નહીં ભરો તો વીજજોડાણ કટ્ થઈ જશે. પછી ગ્રાહકે વીજજોડાણ પરત મેળવવા વધારાનો ચાર્જ પણ ભરવો પડશે અને ત્યાં સુધી પાવર પણ બંધ રહેશે.
આ સાથે તંત્રએ એમ પણ જાહેર કર્યું છે કે, આ ઝુંબેશ દરમ્યાન 23,039 ગ્રાહકોએ કુલ રૂ. 11.06 કરોડ ભરપાઇ કરી આપ્યા છે. જેમણે બાકી નાણાં આપ્યા નથી એવા 462 ગ્રાહકોના વીજજોડાણ કટ્ કરી નાંખવામાં આવ્યા છે. હાલ 90,759 ગ્રાહકો પાસેથી રૂ. 39.40 કરોડની બાકી રકમની કડક વસુલાત કરવામાં આવી રહી છે. વીજબિલના નાણાંની કેશલેસ ચૂકવણી માટે ગ્રાહકો ECS, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, વેબસાઈટ પર તથા બેંક શાખાઓમાં બાકી નાણાં ભરપાઇ કરી શકે છે.

























































