Mysamachar.in-અમદાવાદ:
જેમ-જેમ તહેવારો નજીક આવશે તેમ તેમ લોકો બહારગામ ફરવા માટે જશે, તો ઘરમાં એકલ દોકલ સભ્ય પણ હાજર રહેશે તેવું પણ સામે આવશે, ત્યારે તહેવારો સમયે લુંટ અને ચોરીની ઘટનાઓમાં વધારો થાય છે.ત્યારે અમદાવાદમાં સામે આવેલ એક કિસ્સો દરેક ગૃહિણીઓ માટે ચેતવા જેવો ચોક્કસથી છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડિમ્પલ શાહ નામની ગૃહિણીએ એક ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ મુજબ બપોરે પોતાના ઘરે એટલે કે શાહીબાગ વિસ્તારમાં આવેલું મકાન નંબર 2 સોમનાથ સોસાયટીમાં પોતાના ઘરે હતા, ત્યારે અચાનક ડોર બેલ વાગ્યો હતો અને દરવાજો ખોલતા બે શખ્સો બહાર ઉભા હતા. તેમણે જણાવ્યું કે તમારા પતિ વિનોદભાઈ શાહે રસોડાનો નળ બગડેલો હોવાથી અમને રીપેરીંગ કરવા માટે મોકલ્યા છે.
આમ ફરિયાદી ડિમ્પલ બહેન શાહે ધર્મેન્દ્ર સોલંકી અને જયદીપને ઘરમાં પ્રવેશ આપી રસોડા તરફ લઇ ગયા હતા. તે સમયે ધર્મેન્દ્ર સોલંકીએ બેગમાંથી એક સ્પ્રે કાઢીને ડિમ્પલ બહેનના મોઢા પર છાંટી દેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે જ ફરિયાદી મહિલાએ બંને યુવકો સાથે હિંમતભેર સામનો કર્યો હતો અને મહિલાએ સોસાયટીમાં બૂમો પાડતા સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. જોકે ક્ષણભરમાં બન્ને લૂંટારુંઓ રંગેહાથે ઝડપી પાડ્યા હતા અને શાહીબાગ પોલીસને જાણ કરી હતી.શાહીબાગ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી પ્રાથમિક પુછપરછ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે એક વર્ષ પહેલા આજ મકાનમાં આરોપી ધર્મેન્દ્ર સોલંકી ઈલેક્ટ્રીક કામ કરવા માટે આવ્યો હતો. જેના કારણે તેમણે અહીંયા લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. હાલ પોલીસે બન્ને આરોપીઓ અગાઉ કોઈ ગુના કર્યા છે કે કેમ તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે.