Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લમાં કોરોનાનું સંક્રમણ વધતું હોવાથી હવે લોકો માટે ચિંતા સાથે ભયજનક બની રહયું છે. આવી પરિસ્થિતિ વચ્ચે સરકારી આરોગ્ય તંત્ર પણ ટૂંકું પડી રહયું છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં ભયંકર કેસો હોવાથી ત્યાં ગામડાઓમાં કોઈ જ લોકોના પૂરતાં ટેસ્ટ કરવામાં આવતાં નથી. તેમજ પૂરતી કીટ પણ આપવામાં આવતી નથી. તેનું કારણ સરકાર આંકડા છુપાવવા માટે થઈને પુરતા ટેસ્ટ કરતાં નથી ને પૂરી કીટ ફાળવતાં નથી જેના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયેલું છે. જેના માટે માત્ર ને માત્ર દેવભૂમિ દ્વારકાના કલેકટર અને આરોગ્ય તંત્ર જ જવાબદાર છે. આખો દિવસ મીંટીગમાં વ્યસ્ત હોય છે.
જામ ખંભાળીયામાં આવતા દર્દીઓના કોરોનાના સેમ્પલ જામનગરની ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવે છે. જેમાં વર્ક લોડ હોવાથી એક સપ્તાહ પછી રીપોર્ટ દર્દીઓને મળે છે. R.T.P.C.R. માટેની લેબની જાહેરાત રાજ્યનાં મુખ્યમંત્રી તા.17/04/2021 ના રોજ જામનગરની મુલાકાતે આવેલ હતાં ત્યારે તેઓએ જામ ખંભાળીયાની રેફરલ હોસ્પિટલમાં નવા 25 વેન્ટીલેટરો તેમજ અઠવાડીયામાં R.T.P.C.R. ટેસ્ટ માટેની લેબ શરૂ થઈ જશે , તેવી જાહેરાત કરી હતી.
આમ, છતાં આ જાહેરાતને આજે 20 દિવસ જેટલો સમય પસાર થઈ જવા છતાં નથી આવ્યા વેન્ટીલેટર કે નથી જામ ખંભાળીયામાં R T.P.C.R. લેબ શરૂ કરવામાં આવી જેથી ધારાસભ્ય વિક્રમ માડમે સરકારને પત્ર લખી જાણ કરી છે કે 11/05/2021 સુધીમાં જો 25 વેન્ટીલેટર મોકલવામાં આવશે નહી અને R.T.P.C.R. લેબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયા શહેરમાં શરૂ કરવામાં આવશે નહી. તા.12/05/2021 નાં સવારે 10 કલાકથી ધારાસભ્ય વિક્રમ માડમ પોતે એકલા અચોક્કસ મુદતના ઉપવાસ ઉપર દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેકટરની કચેરી સામે ઉતરી જશે અને તેવોએ લોકહિત માટે જેલમાં જવાની પણ તૈયારી સાથે ઉપવાસ પર બેસીશ તેમ જણાવ્યું છે, અને જો છતાં પણ નિરાકરણ નહીં કરવામાં આવે તો, અન્ન, જળનો ત્યાગ કરવામાં આવશે.તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
-વિક્રમ માડમે દ્વારકા જીલ્લા કલેકટર પર ગંભીર આક્ષેપો કર્યા…
ધારાસભ્ય વિક્રમ માડમે રાજ્યના મુખ્ય સચિવને સંબોધીને કરેલ રજુઆતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર પર ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં તેવોએ જણાવ્પોયું છે કે તે સરકારને વ્હાલા થવા માટે ત્યાંના આરોગ્ય કર્મચારીઓને દબાણ કરીને જેમ બને તેમ ઓછા ટેસ્ટ થાય તેમજ ગામડાઓમાં કોઈ આરોગ્ય કર્મચારીઓને ટેસ્ટ કરાવવા માટે ફરજ પાડવામાં આવતી નથી તેમજ તેઓને પૂરતી કીટ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી જેથી તેઓ સરકાર સમક્ષ એવો દાવો કરી શકે છે કે અમારા જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ ઓછા છે. માત્રને માત્ર પોતે સરકારમાં પોતાની વાહવાહ થાય તેવા પ્રયત્નો કલેકટર કરી રહયા છે. જેના કારણે દેવભૂમિ જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ફેલાયેલું છે.
ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર સરકારી અધિકારી હોવા છતાં તેઓ એક ભાજપનાં રબ્બર સ્ટેપની જેમ વર્તન કરતાં હોય જેથી કલેકટર એક સરકારી અધિકારી હોવા છતાં ધારાસભ્ય જેવા લોકોના પ્રતિનીધીનાં પણ સંપૂર્ણ અવગણના કરે છે. જ્યારે પણ દેવભૂમિ જિલ્લાના પ્રભારી મંત્રી જિલ્લા લેવલની કોવિડ-19 માટેની મીટીંગ બોલવવામાં આવે છે, ત્યારે પણ પ્રજાના ચુંટાયેલા પ્રધિનિધીને જાણ કરવામાં આવતી નથી. તેમજ ભાજપના સંગઠનના માણસો જે સરકારી મીટીંગમાં અનઓથોરાઈઝડ હોવા છતાં તેઓને આંમત્રીત કરે છે.