Mysamachar.in-મોરબી:અમરેલી:
જિંદગીનો કોઈ જ ભરોસો નથી, મોત ગમે તે સમયે, કોઈ પણ સ્વરૂપમાં, કોઈ પણ સ્થળે માણસની જિંદગીઓને દબોચી લ્યે છે- આ પ્રકારની લોકચર્ચાઓ થતી રહેતી હોય છે, કમનસીબે આ વાત એક અકસ્માતમાં, વધુ એક વખત સાચી સાબિત થઈ. કાળમુખુ વાહન 4 જિંદગીઓ ભરખી ગયું. આ પદયાત્રીઓ બનાસકાંઠા પંથકમાંથી નીકળી દ્વારકા યાત્રાધામ જઈ રહ્યા હતાં ત્યારે, મોરબી જિલ્લામાં આ અકસ્માત સર્જાયો.
આ પદયાત્રીઓ મોરબી જિલ્લાના માળિયા પંથકમાંથી પસાર થઈ રહ્યા હતાં, તે સમયે માળીયા-પીપળીયા ધોરીમાર્ગ પર ચાચાવદરડા ગામના પાટીયા નજીક એક વાહને, આ પદયાત્રીઓના સંઘને હડફેટમાં લેતાં ધોરીમાર્ગ પર મોતની ચિચિયારીઓ ગાજી ઉઠી, આ ભયાનક અકસ્માતમાં 4 પદયાત્રીઓનો ભોગ લેવાઈ જતાં, સમગ્ર પંથક સહિત સૌરાષ્ટ્રભરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ પદયાત્રીઓ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકામાંથી એકત્ર થઈ ભક્તિ કરતાં કરતાં ઠાકોરજીના દર્શનની આતુરતા સાથે પંથ કાપી રહ્યા હતાં અને ત્યાં જ કાળ બનીને ત્રાટકેલું આ વાહન 4 જિંદગીઓ કોળિયો કરી ગયું. પદયાત્રીઓમાં હાહાકાર મચી ગયો છે.
આ ભયંકર અકસ્માતમાં 4 પદયાત્રીઓના ઘટનાસ્થળે મોત થયા છે અને 1 પદયાત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને મોરબી સિવિલ હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 4 મૃતક પૈકી 2 યુવાન હોવાની વિગતો બહાર આવી છે. સ્થાનિક પોલીસે 4 મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની વિધિઓ આદરી છે.
આ ઉપરાંત અન્ય એક જિવલેણ અકસ્માત અમરેલી જિલ્લામાં નોંધાયો છે. બગસરા નજીક આજે વહેલી સવારે એક કાર ઝાડ સાથે અથડાઈ જતાં 3 લોકોનો ભોગ લેવાઈ ગયો. આ બનાવ હડાળા પંથકમાં બન્યો. કારમાં 4 લોકો હતાં, ઝાડ સાથે અથડાયા બાદ કાર નજીકના ખેતરમાં ઉંધી પડી. 3 ના મોત થયા અને 1 ને ગંભીર ઈજાઓ થઈ. આ ચારેય વ્યક્તિ જૂનાગઢ જિલ્લામાંથી બગસરા તરફ જઈ રહ્યા હતાં.























































