Mysamachar.in-અમદાવાદ:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની તપાસ માફક વડોદરાના હરણી બોટકાંડની તપાસમાં પણ, વડી અદાલતમાં ગજબ તથ્યો બહાર આવી રહ્યા છે, મહાનગરપાલિકાઓમાં બધું લોલંલોલ ચાલી રહ્યું હોવાનું વધુ એક વખત જાણવા મળી રહ્યું છે. આ આખા મામલાને વડી અદાલતે ખૂબ ગંભીર રીતે જોયો છે અને સરકારનું ધ્યાન ખેંચ્યું છે.
વડોદરાનો હરણી બોટકાંડ પણ રાજકોટના ગેમઝોન અગ્નિકાંડની માફક ગુનાહિત બેદરકારીઓ અને લાલિયાવાડીઓ તેમજ કથિત ભ્રષ્ટ આચરણો પર પ્રકાશ પાડે છે. ખુદ મ્યુ. કમિશનરો આંખો બંધ રાખે છે અથવા ચોક્કસ કારણોસર ચોક્કસ સમયે, ચોક્કસ પ્રક્રિયાઓમાં આંખો બંધ કરી જાય છે. આ સાથે એ પણ રેકોર્ડ પર આવી ગયું છે કે, ચોક્કસ બાબતોમાં મહાનગરપાલિકાઓની સ્ટેન્ડિંગ કમિટી તથા જનરલ બોર્ડમાં થતી કાર્યવાહીઓ પણ, શંકાના પરિઘની બહાર હોતી નથી. અહીં પ્રશ્ન એ પણ થઈ શકે કે, ચોક્કસ ‘કામો ઉતારતી’ વખતે સૌ સંપી જાય છે ? દૂધના રખોપાં કરતાં સૌ બિલાડા છે ? એમ પણ પૂછી શકાય.
વડોદરાના બોટકાંડ સંદર્ભે વડી અદાલતે તત્કાલીન કમિશનરો એચ.એસ.પટેલ અને વિનોદ રાવ તરફ આંગળી ચીંધી છે. તેઓએ પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કરી લીધો. તેઓએ પોતાની ફરજો બજાવવાને બદલે શાસકપક્ષની હા માં હા પૂરાવી. અને, શાસકપક્ષ સંચાલિત સ્ટેન્ડિંગ કમિટી તથા જનરલ બોર્ડે આ બોટ કોન્ટ્રાક્ટને મંજૂરીઓ આપતી વખતે, શું વિચારીને મંજૂરીઓ આપી દીધી ? કોન્ટ્રાક્ટની યોગ્ય પ્રક્રિયાઓ અનુસરવાને બદલે સ્ટેન્ડિંગ કમિટી, જનરલ બોર્ડ અને તત્કાલીન કમિશનરો કોન્ટ્રાક્ટર પર ઓળઘોળ શા માટે થઈ ગયા ?! આ મુદ્દે વડી અદાલતે સરકાર તથા શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીને એમ પણ કહ્યું કે, મહાનગરપાલિકાઓની સ્ટેન્ડિંગ કમિટી તથા જનરલ બોર્ડની કાર્યશૈલી પર ‘વોચ’ રાખવી આવશ્યક લેખાશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કમિશનરો સરકારી અધિકારીઓ હોય છે, તેઓ અમુક સમય પૂરતાં જ જેતે શહેરમાં હોય છે, તેઓને એ શહેરના નાગરિકો સાથે બહુ ઓછા લેવાદેવા હોય છે, તેઓ શાસકપક્ષની હા માં હા મિલાવતા રહે છે અને સરકારની ગુડબુકમાં રહેવાનું પસંદ કરતાં હોય છે અને તેના બદલામાં જેતે શહેરમાં ‘સુખસુવિધાઓ’ ભોગવતા રહે છે અને પોતાની કારકિર્દીને ગાંધીનગરની કૃપાથી ચાર ચાંદ લાગતા રહે- બસ, આ જ તેમનો એજન્ડા હોય છે, કોઈ પણ શહેરમાં. આ પ્રકારની ગંભીર સ્થિતિને કારણે તક્ષશિલાકાંડ, બોટકાંડ અને ગેમઝોન અગ્નિકાંડ જેવા કાંડ સર્જાતા રહેતાં હોય છે, એટલે તો વડી અદાલતે આવા મામલાઓમાં કડક વલણ અખત્યાર કરવું પડી રહ્યું છે. અને, કોર્પોરેશનોની સ્ટેન્ડિંગ કમિટીઓ અને જનરલ બોર્ડની કાર્યવાહીઓ પર પણ વડી અદાલતે કરેલી ટીપ્પણીઓ અતિ ગંભીર અને સંવેદનશીલ લેખી શકાય. બોટકાંડ અને અગ્નિકાંડના પડઘા વર્ષો સુધી પડઘાતાં રહેશે. એક અર્થમાં, સૌ માટે આ બોધપાઠ છે, સુધરવાની તક છે. જો સુધરે તો.