Mysamachar.in:જામનગર
જામનગરમાં ભૂગર્ભ ગટર દાયકાઓથી એક મોટો, ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ વિષય રહેવા પામ્યો છે. રોજેરોજ ફરિયાદોનાં ઢગલાં અને ફરિયાદોનાં નિવારણ પાછળ રોજેરોજ ચોપડા પર હજારો રૂપિયાનો ખર્ચ દેખાડવામાં આવી રહ્યો છે ! આટઆટલાં ખર્ચ પછી પણ, ફરિયાદો ઝીરો બનાવી શકવામાં ભૂગર્ભ ગટર વિભાગને સફળતા મળી નથી. શહેરમાં જો કે સાથે સાથે ભૂગર્ભ ગટર નેટવર્ક પણ સતત વિકસી રહ્યું છે. તે પણ હકીકત છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થા ટનાટન બનાવવામાં આવે તો ફરિયાદો તથા ફરિયાદોનાં નિવારણ પાછળ થતો સરેરાશ ખર્ચ પણ ઘટાડી શકાય.
જામનગર મહાનગરપાલિકાએ નાણાંકીય વર્ષ 2021/22 દરમિયાન બાર મહિનામાં ભૂગર્ભ ગટર સફાઈ કોન્ટ્રાકટર પાર્ટીઓને કુલ રૂ.231.93 લાખનું ચૂકવણું કર્યું. રોજ સાંજ પડે ત્યાં સુધીમાં કોર્પોરેશન આ કોન્ટ્રાક્ટરોને સરેરાશ રૂ.63,185 ચૂકવે છે. તેની સામે સવારથી સાંજ સુધીમાં કોર્પોરેશનમાં રોજેરોજ 194 ફરિયાદોનો ધોધ વહે છે ! પ્રત્યેક ફરિયાદનાં નિવારણ પાછળ સરેરાશ રૂ.325 નો ખર્ચ ચોપડે ચડે છે ! ભૂગર્ભ ગટરના નિર્માણ પાછળનો કરોડોનો ખર્ચ અલગ ! અને ભૂગર્ભ સિવાયની ઓપન અને પાઈપ ગટરોનાં નિર્માણ તથા નિભાવ માટેનો કરોડોનો ખર્ચ અલગ ! ટૂંકમાં, કરદાતા નગરજનો કોર્પોરેશનને જે કરોડો રૂપિયાના વેરાઓ અને ચાર્જ ચૂકવે છે તે પૈકી કરોડો રૂપિયા વર્ષે દહાડે ‘ગટર’ થઈ જાય છે !
સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ભૂગર્ભ ગટરની મેઈન લાઈન તથા નાની પેટા લાઈનોમાં પણ પુષ્કળ પ્રમાણમાં ફરિયાદો મળી રહી છે. આ ગટરોની સફાઈ કાગળો પર થતી હોવાની શકયતાઓ પણ નકારી શકાય નહીં ! બીજી બાજુ, પોતાનાં ઘરો અને કારખાનાઓ તથા દુકાનો પાસે આવેલી ભૂગર્ભ ગટરો ભરાઈ ન જાય, કાયમ ચોખ્ખી રહે તે માટે નગરજનોએ પણ સતર્કતા દાખવવી જરૂરી છે. અગાઉનાં દાયકાઓમાં શહેરમાં ભૂગર્ભ ગટરની કુલ લંબાઈ માત્ર 82 કિલોમીટર હતી. જે આજે વધીને લગભગ 580 કિલોમીટર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હાલમાં સમર્પણ સર્કલ વિસ્તાર તથા નાઘેડી, ઢીંચડા અને લાલપુર બાયપાસ રોડ તરફનાં વિસ્તારોમાં ભૂગર્ભ ગટર કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં હાપા તથા રેલ્વે ઓવરબ્રિજ પછીનાં વિસ્તારમાં તથા ખીજડીયા બાયપાસ સુધીનાં તમામ રહેણાંક વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે.
-શહેરનાં કયા ઝોનમાં કેટલી ફરિયાદો ?
કોર્પોરેશનનાં ભૂગર્ભ ગટર વિભાગે કામગીરી માટે શહેરના તમામ 16 વોર્ડના કુલ ચાર ઝોન પાડયા છે. જે પૈકી ઉત્તર ઝોનમાં વર્ષ 2021/22 દરમિયાન 16,843 ફરિયાદો નોંધાઈ હતી. પશ્ચિમ ઝોનમાં 18,613 ફરિયાદો, પૂર્વ ઝોનમાં 16,329 અને દક્ષિણ ઝોનમાં વર્ષ દરમિયાન કુલ 19,140 ફરિયાદો નોંધાઈ હતી. વર્ષ દરમિયાન ફરિયાદ નિવારણ પાછળ સૌથી વધુ ખર્ચ પૂર્વ વિસ્તારમાં થયો છે. સૌથી ઓછો ખર્ચ પશ્ચિમ ઝોનમાં થયો છે. સૌથી વધુ ફરિયાદ દક્ષિણ ઝોનમાં થાય છે. હાલમાં વોર્ડ નંબર 12,15 અને 16 માં નવી ભૂગર્ભ ગટરના કામો ચાલી રહ્યા છે. મોરકંડા તથા મહાપ્રભુજી બેઠક વિસ્તારોમાં ઘણાં સ્થળોએ ભૂગર્ભ ગટરના કામો ચાલી રહ્યા છે, એમ આ વિભાગે જણાવ્યું છે.