Mysamachar.in-વડોદરા
વડોદરા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સહિત બે તબીબી સ્ટુડન્ટોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. જ્યારે એક તબીબી વિદ્યાર્થીને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે બરોડા મેડિકલ કોલેજના 12 તબીબી સ્ટુડન્ટસનું ગૃપ લાછનપુર પાસેથી પસાર થતી મહી નદીના કિનારે પિકનીક મનાવવા માટે ગયું હતું. પરંતુ બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નીપજતાં સ્ટુડન્ટોનો પિકનિકનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો. નદી કિનારે પહોંચેલા ગૃપ પૈકી સિધ્ધી શાહ અને અમોઘ ગોયલ સહિત કેટલાંક સ્ટુડન્ટો નદીમાં નાહવા ગયા હતાં. જેમાં સિધ્ધી શાહ અને અમોઘ ગોયલ સહિત ત્રણ સ્ટુડન્ટો મહી નદીના ઉંડા પાણીમાં પહોંચી જતાં તણાઇ ગયા હતાં. જેમાંથી બે વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં હતાં.
મહી નદીના વહેતા પાણીમાં તણાઇ રહેલા સ્ટુડન્ટોએ બચાવો…બચાવો..ની બૂમરાણ મચાવતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતાં. જેમણે એક સ્ટુડન્ટને બચાવી લીધો હતો. જ્યારે સિધ્ધી શાહ અને અમોઘ ગોયલ ઉંડા પાણીમાં ગરક થઇ જતાં લાપતાં થઇ ગયા હતાં. લગભગ એક કલાકની જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા હતાં. બાદમાં તેમને 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં. જોકે, ડૂબી ગયેલા બંને સ્ટુડન્ટ સયાજી હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં તેઓનું રસ્તામાં મોત નીપજ્યું હતું. મોતને ભેટેલ સિધ્ધી શાહ અને અમોઘ શાહ ન્યુ મેડિકલ હોસ્ટેલમાં રહેતા અને એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. સિધ્ધી શાહ અને અમોઘ ગોયલનું મોત નીપજતાં સાથી સ્ટુડન્ટો સહિત બરોડા મેડિકલ કોલેજમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.