Mysamachar.in-અમદાવાદ:
દેશની ટેલિકોમ ઓથોરિટી TRAIએ સીમકાર્ડ સંબંધિત નવા નિયમોનો અમલ 1 જૂલાઈથી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો લાખો લોકો માટે અઘરાં સાબિત થશે. ઓથોરિટીએ જાહેર કર્યું છે કે, ઓનલાઈન સ્કેમ રોકવા આમ કરવું અનિવાર્ય છે. કારણ કે, સીમકાર્ડ તરત એક્ટિવ કરી આપવાની પદ્ધતિઓનો દુરઉપયોગ થઈ રહ્યો છે, જે રોકવો જરૂરી છે. આ નવા નિયમો અંગે સૌએ જાણકારીઓ મેળવવી જરૂરી છે.
TRAI કહે છે: કોઈપણ વ્યક્તિનું સીમકાર્ડ ખોવાઈ જાય, નાશ પામે, ગૂમ થઈ જાય, ચોરાઈ જાય અથવા એવા કોઈ પણ કેસમાં જ્યારે તે વ્યક્તિ નવું સીમકાર્ડ ખરીદશે તો પણ તેનું સીમકાર્ડ ખરીદીના 7 દિવસ બાદ જ એક્ટિવ થઈ શકશે. લોકિંગ પિરીયડ વધારવામાં આવ્યો છે. કારણ કે, ઓનલાઈન કૌભાંડ વધી ગયા છે, તેને નિયંત્રણમાં લેવા આમ કરવામાં આવ્યું છે. કૌભાંડી તત્વો વારંવાર જુદાં જુદાં નામે સીમકાર્ડ ખરીદી, ગણતરીના દિવસો અને કલાકોમાં વિવિધ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. આ પ્રકારના સાયબર ગુનાઓ સહિતના ગુનાઓ સીમકાર્ડની મદદથી આચરવામાં આવી રહ્યા છે. તેના પર અંકુશ લાવવા આ નિર્ણય થયો છે.
આ ઉપરાંત TRAIએ એમ પણ કહ્યું છે કે, 1 જૂલાઈથી અમલમાં આવનાર આ નિયમ નંબર પોર્ટેબિલિટી સુવિધાઓ મેળવનાર સીમકાર્ડધારકોને પણ લાગુ પડશે. આ 7 દિવસના લોકિંગ પિરીયડ દરમિયાન તંત્ર જૂના સીમકાર્ડ સંબંધિત ગતિવિધિઓનો અભ્યાસ કરશે, જો તેમાં કોઈ ગેરરીતિઓ ધ્યાન પર આવશે તો સીમકાર્ડ એક્ટિવેશન પહેલાં જરૂરી પગલાંઓ લેવામાં આવશે, બાદમાં જ સીમકાર્ડ એક્ટિવ કરવામાં આવશે.(symbolic image source:google)