Mysamachar.in-આણંદ:
આજે બુધવારે સવારમાં એક દુર્ઘટનાની વિગતો રાજ્યમાં વાયુવેગે પ્રસરી ગઈ છે. મહીસાગર નદી પરનો આણંદ જિલ્લાના ગંભીરા નજીકનો એક મોટો પુલ તૂટી પડતાં પુલ પરથી પસાર થઈ રહેલાં ચારથી વધુ વાહનો નદીમાં ખાબકયા. 3 ના મોત થયાની વિગતો જાહેર થઈ છે. અને બ્રિજની બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા છે.
જાહેર થયેલી વિગત અનુસાર, આજે સવારે આણંદ જિલ્લાના ગંભીરા તરફથી વડોદરાના પાદરા તરફ અને ભરૂચ તરફ જઈ રહેલાં રોડ પરનો આ તૂટી પડેલો બ્રિજ જૂનો અને જર્જરીત છે. આ બ્રિજ નવો બનાવવા અંગે અગાઉ લોકો દ્વારા રજૂઆતો થયેલી. વાહનો પસાર થઈ રહ્યા હોય ત્યારે બ્રિજ ધ્રૂજતો એમ પણ લોકો કહે છે. આ બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાનું કામ મંજૂર થયેલું છે. જે કામ હજુ શરૂ થયું નથી.
આજે સવારે આ બ્રિજનો વચ્ચેનો એક ભાગ તૂટીને ઉંચાઈ પરથી નીચે નદીમાં પડતાં, સાથેસાથે એક ટ્રક અને બે મોટરસાયકલ સહિતના પાંચ જેટલાં વાહનો પણ નદીમાં ખાબકી પડ્યા. સ્થળ પર ત્રણના મોત થયા છે, પાંચ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. ફાયર, પોલીસ ઉપરાંત વહીવટીતંત્ર ઘટનાની જગ્યાએ પહોંચી ગયા છે. જો કે હજુ વૈકલ્પિક માર્ગ અંગે કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવી નથી. આ બ્રિજ આણંદ સહિતના મધ્ય ગુજરાતને એક તરફ સૌરાષ્ટ્ર સાથે અને બીજી તરફ દક્ષિણ ગુજરાત સાથે જોડે છે. ટોલટેક્સ બચાવવા સેંકડો વાહનો આ બ્રિજ પરથી પસાર થતાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, પુલનો આ હિસ્સો આ પંથકમાં સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત છે. આ દુર્ઘટના સંબંધે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ મોત અને બચાવ કામગીરીઓની સત્તાવાર વિગતો આપી છે.