Mysamachar.in:વડોદરા
ચોરી કરતા તસ્કરો ઝડપાય ત્યારે કેટલાક કિસ્સાઓમાં પોલીસ દ્વારા જયારે તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવે તો કેટલાક એવા તથ્યો સામે આવતા હોય છે જે ખુદ પોલીસને પણ વિચારતા કરી દે,આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે, જેમાં રાજ્યમાં અનેક શહેરોમાં રિક્ષામાં બેસેલા પેસેન્જરના દાગીનાની ચોરી કરતી આંતર રાજ્ય ગેંગ પોલીસના સકંજામાં આવી છે. આ આંતરરાજ્ય ગેંગે વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, દિલ્હીમાં તરખાટ મચાવ્યો હતો. વડોદરામાં પોલીસે ભૂવા પાસે દાણા જોવડાવી ચોરી કરવા નીકળતા 2 ચોરને ઝડપી પાડ્યા છે.
ઝડપાયેલ ઇસમોની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ઝડપાયેલા આરોપીઓ મોટે ભાગે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવતા અને રિક્ષાનો નંબર કોઈ જોઈ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ પર ફૂલ રાખતા હતા. આ ગેંગે વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, દિલ્હીમાં મચાવ્યો તરખાટ હતો.8 સભ્યોની ગેંગ જુદાજુદા શહેરમાં સક્રિય થઈ ચોરીને અંજામ આપતા હતા. જેમાં અમદાવાદનો રમેશ ઉર્ફે ભોટી શંકર નાયક રિક્ષા ચલાવતો હતો અને રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર રિક્ષામાં પેસેન્જર બની ગુનાને અંજામ આપતો હતો. આ સાથે ચોરી વખતે એક મોપેડચાલક રિક્ષાની આગળ રહેતો હતો. આ તરફ હવે પોલીસે ગેંગના 6 સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા અને ઝડપાયેલા 2 આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.
આ ઇસમોની પૂછપરછમાં એક ચોંકાવનારી બાબત એ સામે આવી કે, આરોપીઓ રિક્ષા લઈ ગુનો કરવા નિકળે તે અગાઉ મહેમદાવાદમાં રહેતા વિનુ ભુવા પાસે દાણા જોવડાવતા હતા અને ત્યાર બાદ દિશા અને સ્થળ નક્કી કરી એ દિશામાં રિક્ષા લઈને દાગીના સેરવી લેવા નીકળતા હતા અને પાછળ સાગરીતો મોપેડ લઈને આવતા હતા. ચોરેલા દાગીના પાછળ વાહનમાં આવી રહેલા સાગરીતને સોંપી દેતા આ રીતે તેવો સમગ્ર ચોરીના કારનામાને અંજામ આપતા હતા પોલીસે આ ગુન્હામાં અન્ય 6 આરોપીઓના સગડ મેળવવા જુદી જુદી દિશાઓમાં તપાસ તજવીજ હાથ ધરી છે.