Mysamachar.in-જામનગર:
કોઈપણ શહેરનાં સર્વાંગી વિકાસ માટે નગર નિયોજન યોજના ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. વિકાસની તકોની ચકાસણી કર્યા બાદ યોગ્ય સમયે ટીપી સ્ક્રીમ બનાવવામાં આવે તો તે શહેર-વિકાસની દોડમાં અન્ય શહેરોને પાછળ છોડી દે છે, આયોજનબધ્ધ રીતે બનાવવામાં આવેલી ટી.પી સ્કીમોના કારણે જામનગર શહેરનો ચો-તરફ વિકાસ થયો છે. શહેરનો વ્યાપ સતત વધી રહ્યો છે. સાથે સાથે વિકાસની નવી ક્ષીતીજો પણ દેખાય રહી છે. આ બધુ યોગ્ય સમયે ટીપી સ્ક્રીમ બનાવવા માટે લેવાયેલા નિર્ણયને આભારી છે, તેવું કહેવામાં જરાપણ અતિશિયોકિત નથી.જામનગરમાં પણ નવી ટીપી સ્કીમોની અમલવારીથી શહેર વિકાસની દિશામાં વધુ એક ડગલું આગળ વધવા તરફ જઈ રહ્યું છે, ખુદ રાજ્ય સરકાર પણ ટીપી સ્કીમોની અમલવારી ઝડપભેર થાય તે દિશામાં કામ કરવા તમામ મહાનગરપાલિકાઓને તાકીદ કરી છે,
તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના તમામ મહાનગરોના કમિશનરો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી જેમાં જામનગર મનપાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, આ બેઠકમાં મુખ્યમંત્રીએ ટીપી સ્કીમો ત્વરાએ પૂર્ણ કરવા કમિશનરોને નિર્દેશ કર્યા હતા, આ બેઠકમાં જામનગરને લગત ટીપી સ્કીમ વિશે સીધી જ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી
આ બેઠક અને જામનગર શહેરને લાગે વળગે છે ત્યાં સુધી મુખ્યમંત્રીએ ટીપી સ્કીમ નંબર 11, 20, 21, 23 જે મંજૂર થયેલ છે પરંતુ તે ટીપી સ્કીમોમાંથી રોડ પસાર થતા કોઈ દબાણ નડે છે તે તમામ રોડ તાત્કાલિક ખુલ્લા કરવા ખાસ સુચના અધિકારીઓને આપી દીધી છે, રસ્તો ખોલી અને મેટલ રોડ સહિતની કાર્યવાહી તુરત શરુ કરવા પણ ભારપૂર્વક જણાવ્યું છે.ટીપી સ્કીમના નડતર રૂપ આ રોડ ખુલ્લા કરવા માટે કોઈ દબાણને વશ થયા વિના માત્ર અને માત્ર શહેરના વિકાસને લક્ષમાં રાખી ટીપી સ્કીમનો ઝડપભેર અમલ થાય અને શહેર વધુ સુવિધાયુક્ત બને તેવી કામગીરી કરવા સૂચન પણ કર્યું છે,
તો જે ટીપી સ્કીમોનો પરામર્શ થયેલ છે તેવી ટીપી સ્કીમ નંબર 7, 10, 25, 26, 27 નો જનરલ બોર્ડમાં ઠરાવ કરીને સરકારમાં મોકલવા ઉપરાંત ઇરાદો જાહેર કરવા ઠરાવ કરીને સરકારમાં મોકલવાની પણ ચર્ચાઓ આ મિટિંગમાં થઈ છે, અને આગામી 30 જાન્યુઆરીના રોજ જામનગર મનપાની ખાસ સામાન્યસભા ટીપી સ્કીમોને લઈને મળશે.જેમાં નવી ટીપી સ્કીમો મંજુર થવાથી શહેર વિકાસની હરણફાળ તરફ આગળ વધશે તેમ જાણકારોનું માનવું છે.
આપણે સૌ જાણીયે છીએ તે રીતે જુના શહેરો કે ગામડા જે વર્ષો પહેલા આપોઆપ વિકસેલા છે તેની હાલત સાવ અવ્યવસ્થિત હોય છે. જુના શહેરો કે ગામડાઓના રસ્તા નાના-મોટા, વાંકા-ચુકા, ગટર લાઇનની સુવિધા અવ્યવસ્થિત, જાહેર સુવિધાનો અભાવ અને કોઈપણ પ્રકારના પ્લાનિંગ વિના વિકસેલા હોવાના કારણે ટ્રાક઼િકની સમસ્યા વકરે છે. કોઇપણ આયોજન વગર જ જરૂરીયાત મુજબ થયેલા બાંધકામના કારણે કોઇક જગ્યાએ ઝડપી વિકાસ થયો હોય તો કોઇક જગ્યા એકદમ વિકાસ વિનાની રહી જાય એવુ બને છે. ટાઉન પ્લાનિંગ એટલે કોઈપણ શહેર આવનારા 30-35 કે 50 વર્ષ પછી કેવુ ડેવલપ થશે તેનો આગતરો પ્લાન અને આયોજન. કોઈપણ શહેરનુ પ્લાનિંગ કરીને શહેરનો વિકાસ કરવાં માટે ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમો બનાવવમાં આવે છે. આગોતરૂ પ્લાનિંગ કરીને ડેવલપમેન્ટ કરવાંથી કોઇપણ શહેરનો વિકાસ વ્યવસ્થિત રીતે થાય છે.
કોઇપણ શહેર જેમ જેમ આગળ વધતુ જાય તેમ શહેરને ભૌગોલિક રીતે સુવિધાયુક્ત બનાવવા માટે શહેરની નજીકની મુખ્ય રસ્તાઓ પસાર થઇ શકે તેવી જમીનો શહેર વિકાસ આયોજનમાં ભેળવી દેવામાં આવે છે અને સમગ્ર ખેતીની જમીનને એક કિલોમીટર X એક કિલોમીટરના ટુકડામાં વહેંચી નાખવામાં આવે છે. ટુંકમાં શહેર જેમ જેમ આગળ વધુ જાય એમ નવા નવા એક કિલોમીટરના ટુકડાઓ પડતા જાય જેને ટીપી કહેવામાં આવે છે.
ખેતીની જમીનમાં ટીપી લાગુ થયા પહેલા આવવા- જવાના કેટલાય અલગ અલગ રસ્તાઓ હોય છે જે ટીપી લાગુ પડ્યા પછી ટાઉન પ્લાનિંગની સ્કીમમાં રસ્તાઓનું એવી રીતે આયોજન કરવાંમાં આવે છે કે દરેક સર્વે નંબર કે બ્લોક નંબરને સ્વતંત્ર રીતે રસ્તા પરથી એન્ટ્રી મળી શકે છે. સદરહુ રસ્તાઓનું આયોજન એવી રીતે કરવામાં આવે છે કે ટી.પી. સ્કીમના અંતરીયાળ વિસ્તારમાંથી બહારના વિસ્તારમાં જતાં ટ્રાફિક રીલીઝ થાય છે. એટલે કે ટી.પી.ના અંદરના રસ્તાઓ નાનાથી શરૂઆત કરી બહારની તરફ જતાં તે મોટા થતાં જાય છે. અને તેના કારણે રસ્તાઓ ટ્રાફિકની સમસ્યા હળવી બને છે. સામાન્ય રીતે 7. 5, 9, 12, 18, 24 મીટરથી શરૂ કરીને છેવટે તે 30 મીટર, 36 મીટર, 45 મીટર, 60 મીટરના રસ્તાઓને મળે છે.
ગુજરાતના શહેરો સુવ્યવસ્થિત રીતે વિકસે તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા “ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલમેન્ટ એક્ટ –1976” જેને ગુજરાતીમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 તેમજ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન (જી.ડી.સી.આર) તેમજ ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ રુલ્સ-1976 વગેરે કાયદાઓ બનાવી તેમજ અમલમાં મુકીને દરેક શહેરો વ્યવસ્થિત રીતે વિકસે અને સુઆયોજિત રીતે વિકાસ થાય એવો અમલ કરવામાં આવ્યો. તેમજ જાહેર સુવિધા ઉભી કરવામાં કરવો જરૂરી છે.જામનગરમાં પણ ફાઈનલ ટીપી મંજુર થયે તેમાં EWS આવાસ માટેના પ્લોટ, રહેણાંક અને કોમર્શીયલ હેતુ માટેના પ્લોટ પણ મળે છે.
જાહેર સુવિધાઓમાં મુખ્યત્વે 12 સુવિધાઓ જેવી કે રમતગમતનું મેદાન, બગીચો, જાહેર પાર્કિંગ, શાકભાજી માર્કેટ, સરકારી શાળા, સરકારી દવાખાનુ, વાંચનાલય, કોમ્યુનિટી હોલ, ઓપન પાર્ટી પ્લોટ, સિનિયર સિટીજન પાર્ક અથવા શાંતિકુંજ, સ્વિમિંગ પુલ, જાહેર ટોઇલેટ આટલી વ્યવસ્થા દરેક ટી.પીમાં મણનગરપાલિકા દ્વારા કરવી જરૂરી છે. દરેક ટી.પીમાં ફાયર સ્ટેશન, ડ્રેનેજ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્ટ્રીટ લાઇટ, સરકારી ઓફિસો વગેરે બનાવવું ફરજીયાત છે.