Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં આગામી સમયમાં પંચાયતો, પાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી હોય, બધાં જ રાજકીય પક્ષોએ સંગઠનોને મજબૂત અને વ્યાપક બનાવવા કમર કસી છે. શાસકપક્ષ રાજ્યભરમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં હોય, આ પક્ષના સંગઠનમાં હાલ થઈ રહેલાં ફેરફારો પર સૌની નજર છે અને એથી આવતીકાલે પક્ષના પ્રદેશ મુખ્યાલય કમલમ્ ખાતે યોજાઈ રહેલી બેઠકમાં શું થશે ? એ જાણવા અત્યારથી લાખો લોકો ઉત્સુક છે.
શાસકપક્ષ દ્વારા મહાનગરોમાં સંગઠનની પુન:રચનાના ભાગરૂપે અત્યાર સુધીમાં વોર્ડ પ્રમુખોની અને જિલ્લાકક્ષાએ મંડલ મુખિયાઓની નિમણૂંકો નાના શહેર અને તાલુકામથકોએ થઈ ચૂકી છે. પરંતુ આ પ્રોસેસ અને આગેવાનોના નામોની જાહેરાત સાથે જ, કેટલાંક અથવા ઘણાં સ્થળોએ નારાજગીઓનો દબાતો અને ક્યાંક ક્યાંક બોલકો સૂર સામે આવ્યો છે.
અમુક લોકોને ચોક્કસ પ્રકારનો જ્ઞાતિવાદ કઠયો છે. અમુક લોકો એવું બોલતાં સંભળાઈ રહ્યા છે કે, નિષ્ઠાવાન અને સક્રિય કાર્યકર્તાઓને તથા ખરા દાવેદારોને નજરઅંદાજ કરી, અમુક ચહેરાઓ શા માટે રિપિટ કરવામાં આવી રહ્યા છે ?! અમુક પંથકમાં એવી પણ દલીલો થઈ રહી છે કે, પક્ષ પાસે ઉજળા લોકો હોવા છતાં કેટલાંક વધુ ઓછા ‘દાગી’ અથવા ‘છાપેલાં કાટલાં’ઓને શા માટે શિરપાવ આપવામાં આવી રહ્યો છે ?!
ટૂંકમાં, પક્ષ બહુ વજનદાર બની ગયો હોય, આંતરિક ફરિયાદો અને પડકારો વધી ગયા છે. તેથી નારાજગીઓ પણ વધી. અસંતોષ પણ જોવા મળે છે. ઉપેક્ષા ઘણાં લોકોથી સહન થઈ રહી નથી. અને, સ્વાભાવિક રીતે જ મહત્વાકાંક્ષા તો સૌને હોય જ. પદ, પ્રતિષ્ઠા અને પૈસો- કોને ન ગમે. લોબિંગ પણ મોટું ફેક્ટર હોય છે. જો કે, પ્રદેશ અધ્યક્ષ શક્તિશાળી છે, હવે તેઓ કેન્દ્રીય પ્રધાન હોવાથી તેમની તાકાત પણ વધી છે અને રાષ્ટ્રીય નેતાઓ સાથેનો એમનો ઘરોબો પણ વધી ગયો છે. આ સ્થિતિઓનો ઉપયોગ કરી, તેઓ આવતીકાલે યોજાનારી બેઠકમાં આશ્ચર્યજનક પર્ફોમન્સ દેખાડે એવી પણ એક સંભાવના છે.
આ ઉપરાંત તાજેતરમાં સંગઠન ફેરફાર સંબંધે જે ફીડબેક પ્રાપ્ત થયા અને જે નારાજગીઓ વ્યક્ત થઈ કે ખાનગીમાં ફૂટી નીકળી- એ બધી બાબતો ધ્યાન પર રાખી તેઓ મહાનગરોની તથા જિલ્લાઓની ધૂરા કોને સોંપે છે, તેના પર સૌની નજર છે. એમ પણ કહેવાય છે કે, શહેર અને જિલ્લામથકોએ નિમણૂંકો આપવામાં નવા માપદંડ ઉપયોગમાં લેવામાં આવશે અને આ નિમણૂંકો અગાઉ પ્રદેશ અધ્યક્ષ ખાસ્સો એવો સમય પણ લેશે. કામ આમ જૂઓ તો જટિલ છે, પણ પાટિલ ઘડાયેલા નેતા છે અને અઘરાં પણ છે, એટલે બિમારીઓનો ઈલાજ અને વાઢકાપ પણ કરી લેશે.
























































