Mysamachar.in-ગુજરાત:
દેશમાં ઘણાં બધાં લોકોને મોબાઇલ પર ઘણાં પ્રકારના કોલ્સ મળતાં હોય છે જે પૈકી ઘણાં કોલ્સ બનાવટી અથવા છેતરપિંડીઓ કે જાહેરાતોના હોય છે. આ સમગ્ર વ્યવસ્થાને ફિલ્ટર કરવા આગામી સમયમાં એક એકશન પ્લાન અમલમાં આવી રહ્યો છે.આગામી પહેલી ઓગસ્ટથી, એટલે કે દિલ્હીમાં જે નવી સરકાર રચાશે તેનાં પ્રારંભિક દિવસોમાં જ દેશભરમાં કોલર આઈડી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ નકલી કોલ્સને ઓળખી કાઢશે અને આ પ્રકારના કોલ્સને બ્લોક પણ કરી નાંખવામાં આવશે.
કોલિંગ નેમ પ્રેઝન્ટેશન CNAP નામની આ સિસ્ટમ આગામી 100 દિવસમાં તૈયાર કરી લેવામાં આવશે અને એક ઓગસ્ટથી તેનો અમલ પણ શરૂ થઈ જશે. જે કોલ્સથી છેતરપિંડીઓ થઈ રહી છે તે અટકાવવા આ પ્રકારના કોલ્સ બ્લોક કરી શકાય તે માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે. અને આ પ્રકારના કેસની ફરિયાદ કરવા માટે એક નોડલ એજન્સીની પણ રચના થશે.
આ નોડલ એજન્સી નેશનલ સાયબર સિકયોરિટી એજન્સી તરીકે ઓળખાશે. કોઈ પણ છેતરપિંડીને રોકવા તેને સમયસર ઓળખવી જરૂરી બને છે, આ વ્યવસ્થાથી આવા કોલ્સ બ્લોક કરી શકાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2023માં 130 લાખ શંકાસ્પદ સિમ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રિપોર્ટ કહે છે: વર્ષ 2023 દરમિયાન 70,000 પોઈન્ટ ઓફ સેલ મશીનના જોડાણો બંધ કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2023 માં 1.56 લાખ હેન્ડસેટ એવા ઝડપાઈ ગયા છે જેના ઉપયોગથી છેતરપિંડીઓની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. અને આ વર્ષમાં અંદાજે 2 લાખ નકલી SMS હેન્ડલ બંધ કરવામાં આવ્યા છે.