Mysamachar.in-આણંદ
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમને લગતા બનાવો અંગે ટેકનિકલ સોસિસ તથા ફોરેન્સિક સંસાધનો દ્વારા ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા તથા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા પોલીસ સતત પ્રયાસો કરે છે, આવા જ એક કિસ્સાનો ભેદ આણંદ સાઈબર સેલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉકેલવામાં સફળતા મળી છે,
આણંદના સાયબર સેલે શહેરના જુના બસસ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને ફેક ઈન્સ્ટાગ્રામ તેમજ સ્નેપચેટ આઈડી દ્વારા છોકરીઓ સાથે મિત્રતા કેળવી બાદમાં તેમના બિભત્સ ફોટોગ્રાફ વાઈરલ કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરતા યુવકને ઝડપી લીધો છે. એક યુવતીને કોઈ અજાણ્યો ઈન્સ્ટાગ્રામ તથા સ્નેપચેટનો ઘારક બિભત્સ ફોટોગ્રાફ મોકલીને 50 હજારની માંગણી કરી બ્લેકમેઈલ કરતો હોવાની ફરિયાદ મળી હતી. જે મુજબ આ કેસમાં ઈન્સ્ટાગ્રામ તથા સ્નેપચેટના ધારક બિભત્સ ફોટોગ્રાફ મોકલીને બ્લેકમેઈલ કરી નાણાં પડાવતો હોવાનું બહાર આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો.
ઈન્સ્ટાગ્રામ પર છોકરીઓ પાસે નાણા પડાવનાર યુવક જુના બસ સ્ટેન્ડે આવનાર છે. તે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા તેનું નામ જગદીશ કેસરીસિંગ સીંધા રહે. ધુવારણ હોવાનું ખુલ્યું હતું. તેની સઘન પુછપરછ કરતા તે સોશિયલ મીડિયાના ફેક આઈડી દ્વારા છોકરીઓ સાથે મિત્રતા કેળવીને બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવતો હોવાનું બહાર આવ્યું હતું.
ઝડપાયેલા જગદીશ સિંઘા ફેક ઈન્સ્ટાગ્રામ તથા સ્નેપચેટ આઈડી દ્વારા છોકરીઓ સાથે મિત્રતા કેળવી છોકરીઓને ફસાવીને બિભત્સ ફોટોગ્રાફ અને વીડિયો પ્રસારિત કરવાની ધમકીભર્યા મેસેજ મોકલીને રૂપિયાની માંગણી કરતો હતો. તેને ઝડપી લેવામાં આવ્યો છે. તેના મોબાઈલમાંથી અન્ય પણ ઘણી ચોકાવનારી વિગતો જોવા મળી છે. જે બાબતે તેનો મોબાઈલ કબ્જે લઈ એફએસએલને વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આવેલો છે.