Mysamachar.in-જામનગર:
શેરબજાર હોય કે હીરાબજાર, સોનાચાંદી બજાર હોય કે FMCG- સર્વત્ર મંદીના ભાષણ થઈ રહ્યા છે, ખુદ નાણાંમંત્રી પણ મંદી સંબંધે એક નિવેદન આપી ચૂક્યા છે. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે જામનગરના એક તબીબની ધાંસૂ ઓફર દર્દીઓમાં લોકપ્રિય બની છે અને આ ઓફર હાલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટ્રેન્ડ કરી રહી છે, જો કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના વલણ અનુસાર ઘણાં લોકો આ ઓફર ટ્રોલ પણ કરી રહ્યા છે ત્યારે, આ ઓફર આપનાર ડો.રવિ પરમારે Mysamachar.in સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે, લોકો તથા દર્દીઓ આ ઓફર સંબંધે મને અભિનંદન આપી રહ્યા છે, આ સ્કીમ નથી, સુવિધા છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ક્લિનિક ધરાવતાં ડો.રવિ પરમારે પ્રકાશિત કરેલી એક પત્રિકા હાલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટ્રેન્ડીંગ છે ! લાખો લોકો કોમેન્ટ અને શેયર કરી રહ્યા છે. આ તબીબે વાયરલ પત્રિકામાં ઓફર કરી છે કે, જે જરૂરિયાતમંદ દર્દીઓ હશે એમને ઘરેથી અમારાં દવાખાને આવવા અને દવાખાનાથી પરત ઘરે જવા- ફ્રી ઓટોરિક્ષા સર્વિસ અમો આપીએ છીએ. આ સ્કીમ નથી, સેવા અને સુવિધા છે. કારણ કે, ડોક્ટરનો વ્યવસાય શેરબજાર કે હીરાબજાર માફક કમાણી કરી લેવાનો, નફામાંથી સંપત્તિઓ વસાવી લેવાનો ધંધો કે બિઝનેસ નથી. અમો દર્દીઓની આર્થિક સ્થિતિઓ સમજીએ છીએ. અમો ડોક્ટર ફી પણ માત્ર રૂ. 100 જ લઈએ છીએ. અને, આ ઓટો સર્વિસ ફ્રી આપીએ છીએ.
આ ઉપરાંત આ તબીબે એક વર્ષ માટે પ્રથમ 100 દર્દીઓ પાસેથી ડોક્ટર ચાર્જ ન લેવાની પણ ઓફર જાહેર કરી છે. લોકો આ સારી ભાવનાને જો કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટ્રોલ પણ કરી રહ્યા છે. પરંતુ તબીબ કહે છે: અમે લોકોના પોઝિટીવ કે નેગેટિવ પ્રતિભાવ પર ધ્યાન આપતાં નથી. અમારો હેતુ દર્દીઓની સેવા સુવિધાઓનો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં ખાનગી તબીબોની ઉંચી કન્સલ્ટેશન ફી ના જમાનામાં, જામનગરની મેડિકલ કોલેજમાં જ ભણેલાં અને જામનગરના જ રહેવાસી આ તબીબની આ ઓફરને કારણે ફોર વ્હીલર કે ટુ વ્હીલર ન ધરાવતાં સેંકડો દર્દીઓમાં ખુશીની લહેર છે અને આડકતરી રીતે આ ઓફરને કારણે એક રિક્ષાચાલકને પણ બાંધેલી રોજગારીની ખાતરી મળી છે. આ આખો વિષય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટ્રેન્ડીંગ છે- એ જ એ વાતનો પુરાવો છે કે, આ ઓફર આકર્ષક અને ઈનોવેટિવ છે, ટ્રોલ બાબતે આ તબીબને સંકોચ નથી કેમ કે, એમનું ધ્યેય જરૂરિયાતમંદ લોકોની સેવા પણ છે.