Mysamachar.in-સુરત:
તાજેતરમાં જ બે કિસ્સાઓ જામનગરમાં સામે આવ્યા જેમાં બ્રેઇનડેડ યુવકોના અંગોનું પરિવાર દ્વારા દાન કરી અને અન્ય લોકોના જીવનમાં અજવાળા પાથરવાનું પવિત્ર કામ કરવામાં આવ્યું,આવા જ કિસ્સાઓ પરથી અન્ય લોકો પણ પ્રેરણા લઈ રહ્યા છે અને જો કોઈ બ્રેઇનડેડ થાય તો તેના અંગોનું દાન કરવા માટે હવે પરિવારો આગળ આવી રહ્યા છે,જે બાબત ખરેખર સરાહનીય પણ છે,
આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો,અડાજણ વિસ્તારમાં રહેતા વ્રજેશ શાહને ગત ૧૨મી મે ના રોજ ખેંચ આવ્યા બાદ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.બાદમાં પરિવારે વ્રજેશના અંગોનું દાન કરવાનો નિર્ણય કરેલો અને તેનો નિર્ણય એટલા માટે ઐતિહાસિક બન્યો કે સુરત જ નહીં ગુજરાતમાં પ્રથમ વખત ફેફસાનું દાન કરવામાં આવ્યું,જે ઘટના ઐતિહાસિક બની ગઇ, કારણ કે સામાન્ય રીતે કિડની, લીવરના અંગદાન થતાં હોય છે. પરંતુ ફેફસાનું આ રીતે ગુજરાતમાંથી ટ્રાન્સપ્લાન્ટ થયાનું પ્રથમ વખત બન્યું છે,
વ્રજેશના ફેફસા સુરતથી બેંગાલૂરુનું ૧૨૯૩ કિલોમીટરનું અંતર ૧૯૫ મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે હ્રદય ૯૦ મિનીટમાં મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. વ્રજેશના અંગોથી ૭ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.